પાકિસ્તાનમાં મહિલા પર અત્યાચાર: પતિ સાથે ડિવોર્સની વાતે કાકા અને પિતાએ કાપ્યા પગ

28 July, 2024 04:50 PM IST  |  Karachi | Gujarati Mid-day Online Correspondent

Pakistan News: વધુ એક ઘટનામાં કરાચીમાં બે પતિના મૃત્યુ બાદ ત્રીજી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં એક મહિલાની તેના જ ભાઈઓએ ગોળી મારીને હત્યા કરી.

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

પાકિસ્તાનમાં મહિલા સાથે અનેક વખત ક્રૂરતા અને અત્યાચાર કરવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં પાકિસ્તાનના ગુલ અને પાટનગર કરાચીમાંથી પણ મહિલા અત્યાચારની એવી જ બે હૈયું કંપાવી નાખે એવી ઘટનાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનના (Pakistan News) ગુલ શહેરમાં મારપીટ કરનાર પતિથી ડિવોર્સ લેવાની વાત કરવા બદલ એક મહિલાના પિતા અને કાકાઓ તેના પગ કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી. સોબિયા બતુલ શાહ નામની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પતિથી છૂટાછેડા મેળવવાની વાત કરતાં તેના કાકા અને પિતાએ તેના પગ કાપી નાખ્યા હતા. આ મહિલાના પતિએ ક્યારેય તેના પરિવારની જવાબદારી લીધી ન હતી. તે સાથે તેનો પતિ તેને શારીરિક તેમ જ માનસિક રીતે ત્રાસ આપતો હતો. આ ઘટનામાં મહિલાએ તેના બંને પગ ગુમાવ્યા છે અને હવે તે ક્યારેય ચેલી નહીં શકે એવું પાકિસ્તાનની એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

મળેલા અહેવાલ મુજબ, સોબિયાના પિતા સૈયદ મુસ્તફા શાહ અને તેના કાકા સૈયદ કુરબાન શાહ, એહસાન શાહ, શાહ નવાઝ અને મુશ્તાક શાહે કુહાડીથી સોબિયાના પગ કાપી નાખ્યા હતા અને તે બાદ પીડિતાએ મદદ માટે બૂમો પડતાં તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને (Pakistan News) સોબિયાને નવાબ શાહ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. તે બાદ મહિલાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે તેનો પતિ નિયમિતપણે તેની સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમના બે બાળકોનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ રહે છે, જેથી તેણે પતિથી છૂટા થવાની વાત કરી હતી.

આ સાથે બીજી ઘટનામાં કરાચીમાં એક મહિલાની તેના ભાઈઓ દ્વારા કથિત રીતે હત્યા (Pakistan News) કરવામાં આવી હતી. આ મહિલા ત્રીજી વખત લગ્ન કરવા માગતી હતી જેને લઈને તેના ભાઈઓએ ગુસ્સે ભરતા તેની હત્યા કરી હતી. આ ઘટના બાબતે પાકિસ્તાનમાં થતાં અત્યાચારો પર ચર્ચા જગાવી છે તેમ જ પોલસે પણ આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ ઘટના કરાચીના બહાદુરબાદમાં બની હતી જ્યાં કથિત રીતે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરવામાં આવેલી મહિલાએ અગાઉ બે લગ્ન કર્યા હતા અને તેના બંને પતિના મોત થયા હતા અને તે બાદ તેણે ત્રીજી વખત લગ્ન કરવાની ઈચ્છા (Pakistan News) વ્યક્ત કરી હતી. ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં મહિલાના ભાઈઓ ગુસ્સે થઈ ગયા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાદ આ મહિલાની હત્યા કરવામાં આવી હતી. હત્યાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે બાદ ત્યાંથી 30 બોરની પિસ્તોલ અને બે શેલ જપ્ત કર્યા હતા.

pakistan karachi Crime News international news jihad