Pakistan:કબાલ શહેરમાં પોલીસ સ્ટેશન પર મોટો આત્મઘાતી હુમલો, 12ના મોત, 40 ઘાયલ

25 April, 2023 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાન(Pakistan)ના સ્વાત જિલ્લાના કબાલ (Kabal) શહેરમાં કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) ના પોલીસ સ્ટેશન પર શંકાસ્પદ આત્મઘાતી હુમલા (Pakistan Explosion)માં 12 પોલીસકર્મીઓ માર્યા ગયા છે

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન(Pakistan)ના સ્વાત જિલ્લાના કબાલ (Kabal)શહેરમાં કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) ના પોલીસ સ્ટેશન પર શંકાસ્પદ આત્મઘાતી હુમલા (Pakistan Explosion)માં 12 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને 40 થી વધુ ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ખાને કહ્યું કે સુરક્ષા અધિકારીઓ સમગ્ર પ્રાંતમાં `હાઈ એલર્ટ` પર છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશન સંકુલમાં આતંકવાદ વિરોધી વિભાગ અને એક મસ્જિદ પણ છે.

આ પહેલા જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) શફી ઉલ્લાહે કહ્યું હતું કે સીટીડી પોલીસ સ્ટેશનની અંદર બે વિસ્ફોટ થયા હતા, જેનાથી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે અનેક લોકો દટાયા છે, જ્યારે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારે નજીકની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે. સીટીડીના ડીઆઈજી ખાલિદ સોહેલે પણ કહ્યું કે ઈમારત પડી ગઈ અને ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: જાણીતા લેખક તારિક ફતેહનું નિધન, દીકરીએ ટ્વીટ કરીને લખ્યું- હિંદુસ્તાનનો દીકરો...

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે વિસ્ફોટની નિંદા કરી હતી અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. આતંકવાદના આ અભિશાપને ટૂંક સમયમાં જડમૂળથી  ઉખેડી નાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કાર્યપાલક મુખ્ય પ્રધાન મોહમ્મદ આઝમ ખાને પણ સુરક્ષા દળોને નિશાન બનાવતા આત્મઘાતી હુમલાની સખત નિંદા કરી હતી. સાથે જ સંબંધિત અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર શહીદ પોલીસ અધિકારીઓના પરિવાર સાથે ઉભી છે.

તાજેતરનો હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન આતંકવાદની ઘટનાઓમાં વધારોનો સામનો કરી રહ્યું છે અને આતંકવાદીઓ તેમના તાજેતરના હુમલાઓમાં કાયદા અમલીકરણ દળોને નિશાન બનાવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ પણ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. નોંધપાત્ર વાત એ છે કે સરકાર અને આતંકવાદી સંગઠન TTP વચ્ચે યુદ્ધવિરામ ખતમ થયા બાદ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં આવા હુમલાઓ વધી ગયા છે અને TTPએ આ હુમલાઓની જવાબદારી લીધી છે.

world news pakistan international news