પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં ગ્રેનેડ અને રોકેટ છોડાયા; ૨૦ લોકોનાં મોત

11 October, 2024 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pakistan Gunmen Attack: SCO સમિટ પહેલા પાકિસ્તાનમાં આ બીજો મોટો હુમલો; ૨૦નાં મોત અને ૭ ઘાયલ થયા હોવાના અહેવાલ

ક્વેટા નજીક મસ્તુંગમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના સ્થળે સ્થાનિક રહેવાસીઓ (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

પાકિસ્તાન (Pakistan)ના બલૂચિસ્તાન (Balochistan)માં સ્થિત કોલસાની ખાણમાં મોટો હુમલો થયો છે. સશસ્ત્ર લોકોએ કોલસાની ખાણ પર હુમલો (Pakistan Gunmen Attack) કર્યો. અત્યાર સુધીમાં ૨૦ લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના શુક્રવારે વહેલી સવારે બલૂચિસ્તાનના ડુકી (Duki) વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત જુનૈદ કોલ કંપની (Junaid Coal Company)ની ખાણો પર સશસ્ત્ર લોકોએ હુમલો કર્યો હતો.

દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ ૨૦ ખાણિયાઓની હત્યા કરી છે અને સાતને ઘાયલ કર્યા છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. બલૂચિસ્તાન પ્રાંતમાં નવો હુમલો દેશની રાજધાની ઈસ્લામાબાદ (Islamabad)માં યોજાનારી એક મોટી સુરક્ષા સમિટના દિવસો પહેલા થયો છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ (SCO) પહેલા આ હુમલો ચિંતાનું કારણ છે.

એક પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનમાં શુક્રવારે વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાણ પર રોકેટ અને ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૨૦ મૃતદેહો અને સાત ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે મોડી રાત્રે ડુકી જિલ્લામાં કોલસાની ખાણ પાસે આવેલા ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. બંદૂકધારીઓએ લોકોને ભેગા કર્યા અને પછી તેમના પર ગોળીબાર શરૂ કર્યો. મોટાભાગના પીડિતો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ત્રણ અને ઘાયલોમાંથી ચાર અફઘાન મૂળના હોવાનું કહેવાય છે.

હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ પ્રાંત સ્વતંત્રતા ઇચ્છતા અલગતાવાદી જૂથોનો ગઢ છે. તેઓ ઈસ્લામાબાદની સંઘીય સરકાર પર સ્થાનિક લોકોના ભોગે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરવાનો આરોપ લગાવે છે.

ચીની નાગરિકો પર થયો હતો હુમલો

થોડા દિવસ પહેલા જ છ ઓક્ટોબરે એટલે કે રવિવારની રાત્રે બલૂચ લિબરેશન આર્મી (Baloch Liberation Army - BLA)એ કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Karachi International Airport) પાસે ચીની નાગરિકો પર હુમલો કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૭ અન્ય ઘાયલ થયા હતા. BLAએ પોતે હુમલાની જવાબદારી લીધી હતી. હુમલા બાદ ચીન (China)એ પાકિસ્તાનમાંથી પોતાના ૪૦૦ નાગરિકોને પાછા ખેંચી લીધા હતા. સાથે જ પાકિસ્તાન સરકાર પર ચીનના નાગરિકો અને ચીની પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

૧૯૪૮થી અલગ બલૂચિસ્તાનની માંગ ચાલી રહી છે

બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની ઝુંબેશ વર્ષ ૧૯૪૮થી ચાલી રહી છે. બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLA બંદૂકના જોરે આઝાદીની માંગ કરે છે. આ અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં સેના અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે. તાજેતરના સમયમાં, જૂથે ચીની પ્રોજેક્ટ અને તેના નાગરિકો સામે મોરચો ખોલ્યો છે. BLAનો આરોપ છે કે ચીન પાકિસ્તાન સરકાર સાથે મળીને બલૂચિસ્તાનના સંસાધનોને લૂંટી રહ્યું છે.

pakistan terror attack islamabad balochistan international news world news