પાકિસ્તાનનું આમંત્રણ, પણ નરેન્દ્ર મોદી SCOની બેઠકમાં હાજરી નહીં આપે

26 August, 2024 08:35 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરમાં ઇસ્લામાબાદમાં યોજાનારા શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના શિખર-સંમેલનમાં તેમની જગ્યાએ કોઈ સિનિયર મિ‌નિસ્ટર જવાની શક્યતા

નરેન્દ્ર મોદી

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ૧૫ અને ૧૬ ઑક્ટોબરે યોજાનારા શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ (CHG) શિખર-સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું છે. આ બેઠકનું આયોજન આ વખતે પાકિસ્તાને કર્યું છે અને એણે ભારત સિવાય અન્ય મેમ્બર-દેશોના હેડ ઑફ સ્ટેટ્સને આમંત્રણ મોકલ્યું છે.

જોકે મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે વડા પ્રધાન મોદી આ બેઠકમાં ભાગ લેવા ઇસ્લામાબાદ જાય એવી શક્યતા ઘણી ઓછી છે. શક્ય છે કે તેઓ કોઈ સિનિયર પ્રધાનને આ બેઠકમાં તેમના વતી મોકલી શકે એમ છે. ગયા વર્ષે કિર્ગીઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં આવી બેઠક યોજાઈ ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકર ભારત વતી ઉપસ્થિત રહ્યા હતા. વળી આ વર્ષે ૩ અને ૪ જુલાઈએ કજાકિસ્તાનમાં યોજાયેલી SCOની એક બેઠકમાં પણ મોદીની જગ્યાએ વિદેશપ્રધાન એસ. જયશંકર હાજર રહ્યા હતા. જુલાઈમાં ભારતમાં નવી સરકારના ગઠન બાદ સંસદનું અધિવેશન હોવાથી મોદી એમાં વ્યસ્ત હતા.

૨૦૧૫ બાદ સરકારમાંથી કોઈ પાકિસ્તાન નથી ગયું

મોદી છેલ્લે ૨૦૧૫માં એક સરપ્રાઇઝ વિઝિટમાં પાકિસ્તાન ગયા હતા અને તેઓ તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા. એ જ વર્ષે ડિસેમ્બરમાં તત્કાલીન વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ પણ પાકિસ્તાન ગયાં હતાં અને એ પછી ભારતના વડા પ્રધાન કે કોઈ પણ પ્રધાન પાકિસ્તાન ગયા નથી. ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી દેવામાં આવ્યા બાદ બન્ને દેશ વચ્ચે ટેન્શન વધી ગયું છે અને એમની વચ્ચે કોઈ હાઈ-લેવલ બેઠક થઈ નથી. 

international news pakistan narendra modi world news nawaz sharif