પાકિસ્તાનમાં ઇમરાનને પ્રજાના, શરીફને લશ્કરના આશીર્વાદ

12 February, 2024 10:04 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને ૧૦૧ બેઠક મળી છે. ત્યાર બાદ ત્રણ વખતના પીએમ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને ૭૫ બેઠક મળી હતી

ઈમરાન ખાન

ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.): પાકિસ્તાનના ચૂંટણીપંચે સામાન્ય ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર કર્યું હતું, જેમાં જેલવાસ ભોગવી રહેલા ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટી સમર્થિત અપક્ષ ઉમેદવારોને ૧૦૧ બેઠક મળી છે. જોકે કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી અને આથી જ લશ્કરના આશીર્વાદ સાથે ચૂંટણી લડનાર નવાઝ શરીફ અને બિલાવલ ઝરદારી ભુત્તો હાથ મિલાવીને સરકાર રચવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ ઇમરાનના પક્ષના ટેકા સાથેના હારેલા અપક્ષ ઉમેદવારોએ દેશભરની અદાલતોમાં તેમની મતક્ષેત્રની ચૂંટણીને પડકારી છે. ચૂંટણીપંચે ૨૬૫માંથી ૨૬૪ બેઠકનાં પરિણામો જાહેર કર્યાં હતાં. છેતરપિંડીની ફરિયાદને કારણે પંજાબ પ્રાંતના ખુશાબમાં એનએ ૮૮નું રિઝલ્ટ અટકાવી દેવામાં આવ્યું હતું. એક બેઠક પરની ચૂંટણી ઉમેદવારના અવસાન બાદ મોકૂફ રાખવામાં આવી હતી. 

ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને ૧૦૧ બેઠક મળી છે. ત્યાર બાદ ત્રણ વખતના પીએમ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને ૭૫ બેઠક મળી હતી. બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ભાગે ૫૪ બેઠક આવી છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (એમક્યુએમ-પી)ને ૧૭ બેઠક મળી છે. બાકીની ૧૨ બેઠક અન્ય નાના પક્ષોએ જીતી હતી. સરકાર બનાવવા માટે પાર્ટીને ૨૬૫માંથી ૧૩૩ સીટ જીતવી જરૂરી છે. નૅશનલ ઍસેમ્બલીની ૩૬૬ બેઠકમાંથી ૨૬૬નાં પરિણામ ડાયરેક્ટ વોટિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે અને ૭૦ અનામત બેઠક દરેક પક્ષની બેઠકોની સંખ્યા અનુસાર ફાળવવામાં આવે છે.

international news national news imran khan pakistan