ઇમરાન ખાનને અદાલત તરફથી રાહત મળી

16 March, 2023 12:26 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

ઇસ્લામાબાદ પોલીસે ગઈ કાલે સવારે પંજાબ પોલીસ અને રૅન્જર્સની સાથે મળીને ઇમરાનની ધરપકડ કરવા માટેનું ઑપરેશન ફરી શરૂ કર્યું હતું

પાકિસ્તાનના લાહોરમાં ગઈ કાલે ઇમરાન ખાનના સમર્થકોને વિખેરવા માટે પોલીસે વૉટર-કૅનનનો મારો ચલાવ્યો હતો.

લંડનઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડની કોશિશને લઈને પાકિસ્તાનનાં અનેક શહેરો સળગ્યાં હતાં, જેને પગલે લાહોર હાઈ કોર્ટે ગઈ કાલે પાકિસ્તાનની પોલીસને ઇમરાનની ધરપકડ કરવાના પોલીસના ઑપરેશનને આજે સવારે દસ વાગ્યા સુધી અટકાવવાનો આદેશ આપ્યો હતો.  

નોંધપાત્ર છે કે ઇમરાનના સમર્થકો અને પોલીસની વચ્ચે મંગળવારથી જ જબરદસ્ત લડાઈ શરૂ થઈ ગઈ હતી. રોષે ભરાયેલા સમર્થકોને વિખેરવા માટે પોલીસે ટિયરગૅસ ફાયર કર્યો હતો અને વૉટર-કૅનનનો મારો ચલાવ્યો હતો.

લાહોર હાઈ કોર્ટના જસ્ટિસ તારિક સલીમ શેખે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા ફવાદ ચૌધરી દ્વારા કરવામાં આવેલી અરજી પરની સુનાવણી દરમ્યાન લાહોરમાં ઇમરાનના નિવાસસ્થાન ઝમન પાર્કની બહાર પોલીસની કાર્યવાહીને અટકાવવાનો આદેશ આપ્યો હતો. 

આ પહેલાં અદાલતે પંજાબ પ્રાંતના ઇન્સ્પેક્ટર જનરલ ઉસ્માન અનવર, પ્રાંતના મુખ્ય સચિવ અને ઇસ્લામાબાદ પોલીસ (ઑપરેશન્સ)ના વડાને અદાલતમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. ઇસ્લામાબાદ પોલીસે ગઈ કાલે સવારે પંજાબ પોલીસ અને રૅન્જર્સની સાથે મળીને ઇમરાનની ધરપકડ કરવા માટેનું ઑપરેશન ફરી શરૂ કર્યું હતું. ઇમરાનને અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે એમ છતાં અદાલત સમક્ષ તેઓ હાજર ન થવાને કારણે આખરે જજે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કર્યું હતું. ઇમરાન તોશખાના ભ્રષ્ટાચારના કેસમાં વૉન્ટેડ છે. 

international news pakistan imran khan lahore