17 January, 2023 11:29 AM IST | Davos | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દાવોસ : ભારતમાં સૌથી વધુ ધનવાન એક ટકા લોકોની પાસે હવે દેશની કુલ સંપત્તિનો ૪૦ ટકાથી વધુ હિસ્સો છે, જ્યારે બીજી તરફ આર્થિક રીતે અભાવમાં જીવતા ૫૦ ટકા લોકોની પાસે માત્ર ત્રણ ટકા જ સંપત્તિ છે. ગઈ કાલે એક નવા સ્ટડીમાં આ વાત બહાર આવી હતી.
દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની ઍન્યુઅલ મીટિંગના પહેલા દિવસે રાઇટ્સ ગ્રુપ ઑક્સફામ ઇન્ટરનૅશનલની ઇન્ડિયા બ્રાન્ચે એનો વાર્ષિક અસમાનતા રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના ૧૦ સૌથી ધનિકો પર પાંચ ટકા ટૅક્સ લાદવાથી એટલું ભંડોળ એકત્ર કરી શકાશે કે ડ્રૉપઆઉટ કરનારાં તમામ બાળકોને સ્કૂલમાં પાછાં લાવી શકાશે.
આ પણ વાંચો : અમેરિકન પબ્લિક હેલ્થ એજન્સીમાં મહત્ત્વના સ્થાને નીરવ શાહની નિમણૂક
આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ‘માત્ર એક અબજોપતિ, ગૌતમ અદાણી પર ૨૦૧૭-૨૦૨૧ દરમ્યાન અવાસ્તવિક લાભ પર એક વખતનો ટૅક્સ લગાડવાથી ૧.૭૯ લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકાયા હોત, જે રકમ ભારતમાં એક વર્ષ માટે ૫૦ લાખ પ્રાઇમરી સ્કૂલ ટીચર્સને રોજગાર પૂરો પાડવા માટે પૂરતી છે.’ અવાસ્તવિક લાભ એટલે કે સ્ટૉક કે કૉમોડિટી જેવી ઍસેટના મૂલ્યમાં વધારો કે જેને હજી સુધી વેચવામાં આવી નથી. આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે જો ભારતના અબજોપતિઓની તમામ સંપત્તિ પર બે ટકાનો એક વખતનો ટૅક્સ લાદવામાં આવે તો એનાથી આગામી ત્રણ વર્ષ સુધી દેશમાં કુપોષિત લોકોના પોષણ માટે ૪૦,૪૨૩ કરોડ રૂપિયાની જરૂરિયાતને પૂરી કરી શકાઈ હોત.
સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતાના મુદ્દે આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ઍવરેજ એક પુરુષ વર્કર એક રૂપિયો કમાય તો એની સામે ઍવરેજ મહિલા વર્કર માત્ર ૬૩ પૈસા કમાય છે.
ઑક્સફામે એના રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં અબજોપતિઓની સંપત્તિ અને સંપત્તિના મામલે અસમાનતા વિશે માહિતી મેળવવા માટે ફૉર્બ્સ અને ક્રેડિટ સુઈસ જેવા સૉર્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.