Dell Layoffs: હવે આ ટેક કંપની કરશે 6 હજારથી વધુ લોકોની છટણી, જાણો વિગત

07 February, 2023 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડેલના કૉ-ચીફ ઑપરેટિંગ ઑફિસર જેફ ક્લાર્કે તેમના કર્મચારીઓ સાથે શેર કરેલી નોંધમાં જણાવ્યું હતું કે બજાર પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. કંપનીમાં છટણી બજારની સ્થિતિ પર આધારિત છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા અવિરતપણે ચાલુ છે. હવે ડેલ ટેક્નોલોજી (Dell Technologies)એ તેના 6000થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ડેલ (Dell Layoffs) વૈશ્વિક સ્તરે તેના 5 ટકા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. જો આમ થશે તો કોમ્પ્યુટર નિર્માતા કંપનીના લગભગ 6650 કર્મચારીઓ નોકરી ગુમાવશે.

કંપનીના કૉ-ચીફ ઑપરેટિંગ ઑફિસરે કર્મચારીઓ સાથે માહિતી શેર કરી

કંપનીના કૉ-ચીફ ઑપરેટિંગ ઑફિસર જેફ ક્લાર્કે તેમના કર્મચારીઓ સાથે શેર કરેલી નોંધમાં જણાવ્યું હતું કે બજાર પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. કંપનીમાં છટણી બજારની સ્થિતિ પર આધારિત છે. તેમાં ઉમેરાયું છે કે “આપણે ભૂતકાળમાં પણ આર્થિક મંદીનો સામનો કર્યો છે અને વધુ મજબૂત બન્યા છીએ. કંપનીએ 2020માં પણ કોવિડ રોગચાળો આવ્યો ત્યારે આવી જ છટણીની જાહેરાત કરી હતી."

વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં પર્સનલ કમ્પ્યુટર શિપમેન્ટમાં મોટો ઘટાડો

ઉદ્યોગ વિશ્લેષક IDCએ જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા સૂચવે છે કે 2022ના ચોથા ક્વાર્ટરમાં વ્યક્તિગત કમ્પ્યુટર શિપમેન્ટમાં તીવ્ર ઘટાડો થયો છે. IDC મુજબ, ડેલના શિપમેન્ટમાં મોટી કંપનીઓમાં 2021ની સરખામણીમાં 37 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડેલ તેની લગભગ 55 ટકા આવક પર્સનલ કોમ્પ્યુટરના વેચાણમાંથી મેળવે છે. આ પહેલાં ગત વર્ષે નવેમ્બરમાં એચપીએ પણ ત્રણ વર્ષ દરમિયાન 6 હજાર લોકોને હટાવવાની જાહેરાત કરી હતી.

કોવિડના યુગમાં વધી ગયેલી પર્સનલ કોમ્પ્યુટરની માગ હવે ઓછી થવા લાગી

કંપનીના મતે નોકરીઓમાં કાપ મૂકવાથી અને વિભાગોમાં નોંધપાત્ર ફેરફારો કરવાથી કાર્યક્ષમતા વધશે. કોવિડના યુગમાં પર્સનલ કોમ્પ્યુટરની વધતી માગ હવે ઘટવા લાગી છે, જેના કારણે કંપનીઓની કામગીરી પર અસર પડી રહી છે.

આ પણ વાંચો: અમેરિકામાં હજારો ભારતીયો થયા બેરોજગાર

માઈક્રોસોફ્ટથી લઈને એમેઝોન અને ગોલ્ડમેન સેશ જેવી અમેરિકન કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. તાજેતરમાં, માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, જ્યારે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. યુએસમાં છટણી જાન્યુઆરીમાં બે વર્ષમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી. છટણીનો ભોગ બનેલા મોટાભાગના લોકો ટેક કંપનીઓના કર્મચારીઓ છે. મંદીનો સૌથી વધુ ફટકો ટેક કંપનીઓને થવાની ધારણા છે અને તેના કારણે કંપનીઓ તેમના કર્મચારીઓ પાસેથી નોકરીઓ છીનવી રહી છે.

international news microsoft google