નોબેલ કમિટી તરફથી પુતિનને જન્મદિવસની અણગમતી ‘ગિફ્ટ’

08 October, 2022 09:59 AM IST  |  Oslo | Gujarati Mid-day Correspondent

બેલારુસની જેલમાં કેદ માનવાધિકાર કાર્યકર્તા ઍલેસ બિયાલિયાત્સ્કી, રશિયન ગ્રુપ મેમોરિયલ અને યુક્રેનના સંગઠન સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝને આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત

ઍલેસ બિયાલિયાત્સ્કી

બેલારુસની જેલમાં કેદ માનવાધિકાર કાર્યકર્તા ઍલેસ બિયાલિયાત્સ્કી, રશિયન ગ્રુપ મેમોરિયલ અને યુક્રેનના સંગઠન સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝને ગઈ કાલે આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને તેમના ૭૦મા જન્મદિવસે આ ‘ભેટ’ નહીં જ ગમી હોય, કેમ કે રશિયા અને એના સાથી બેલારુસમાં માનવાધિકારો માટે અવાજ ઉઠાવનારાઓનું સન્માન કરવામાં આવ્યું છે.  

નૉર્વેની નોબેલ કમિટીના ચૅરમૅન બેરિટ રીસ-ઍન્ડરસને કહ્યું હતું કે પાડોશી દેશો બેલારુસ, રશિયા અને યુક્રેનમાં માનવાધિકાર, લોકશાહી અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની હિમાયત કરનારાઓનું કમિટી સન્માન કરવા ઇચ્છતી હતી. 

રશિયન ગ્રુપ મેમોરિયલ

આ મેમોરિયલની ૧૯૮૭માં સોવિયેત ​યુનિયનમાં સ્થાપના કરવામાં આવી હતી. જેની પાછળનો હેતુ સામ્યવાદીઓના દમનના પીડિતોને યાદ રાખવાનો હતો. આ સંસ્થા રશિયામાં માનવાધિકારોના ભંગ વિશે સતત માહિતી એકત્રિત કરે છે. આ સંગઠન લશ્કરીકરણનો વિરોધ કરવામાં પણ અગ્રેસર છે અને માનવાધિકારોને પ્રોત્સાહન આપે છે. નોંધપાત્ર છે કે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગઈ કાલે ૭૦ વર્ષના થયા ત્યારે નોબેલ કમિટીએ ઇરાદાપૂર્વકની આ પસંદગી કરી હોવા વિશે પૂછવામાં આવતાં રીસ ઍન્ડરસને જણાવ્યું હતું કે ‘અમે હંમેશાં કોઈની વિરુદ્ધ નહીં, પરંતુ કોઈ કામગીરી બદલ કોઈને આ પુરસ્કાર આપીએ છીએ.’

આ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે ‘આ પ્રાઇઝનો કોઈ પણ રીતે પ્રેસિડન્ટ પુતિન કે તેમના જન્મદિવસની સાથે કોઈ સંબંધ નથી, સિવાય કે બેલારુસ સરકારની જેમ તેમની સરકાર માનવાધિકારો માટે લડત લડનારાઓને દબાવી રહી છે.’

યુક્રેનનું સંગઠન સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝ

યુક્રેનમાં અરાજકતાના સમયગાળા દરમ્યાન અહીં લોકશાહી અને માનવાધિકાર માટે લડત લડવા ૨૦૦૭માં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. આ સેન્ટરે યુક્રેનમાં સંપૂર્ણપણે લોકશાહી સ્થાપવા માટે ઑથોરિટીઝ પર પ્રેશર કર્યું હતું. ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી આ સંગઠન યુક્રેનના નાગરિકો પર રશિયાના સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ, અપરાધો અને અત્યાચારો વિશે દસ્તાવેજ તૈયાર કરી રહ્યું છે. 

ઍલેસ બિયાલિયાત્સ્કી

૧૯૮૦ના દશકના મધ્યમાં બેલારુસમાં લોકશાહી સ્થાપવા માટે અભિયાન ચલાવનારા લીડર્સમાં બિયાલિયાત્સ્કીનો સમાવેશ થાય છે અને તેઓ સતત માનવાધિકાર અને નાગરિકોની આઝાદી માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે બિન સરકારી સંસ્થા વિઅસ્ના માનવાધિકાર કેન્દ્રની સ્થાપના કરી હતી અને તેમણે ૨૦૨૦માં ‘વૈકલ્પિક નોબેલ’ ગણાતા રાઇટ લાઇવલિહુડ અવૉર્ડ જીત્યો હતો. અત્યંત મુશ્કેલ જિંદગી છતાં બિયાલિયાત્સ્કીએ બેલારુસમાં માનવાધિકાર અને લોકશાહી માટેની તેમની લડતમાં સહેજ પણ પરિણામ મેળવી શક્યા નથી. નોબેલ કમિટીએ જણાવ્યું હતું કે ‘બિયાલિયાત્સ્કીને આ શાંતિ પુરસ્કાર આપવાથી બેલારુસમાં ઑથોરિટીઝ તરફથી તેમણે કદાચ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે અમારો એ દૃષ્ટિકોણ છે કે આ સંગઠનો ઊભું કરનારી વ્યક્તિઓએ જોખમ ઉઠાવવાનું અને ભારે કિંમત ચૂકવવાનું પસંદ કર્યું છે. તેઓ જેમાં માને છે એના માટે તેઓ બહાદુરીથી લડે છે. 

international news