11 March, 2023 11:05 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અજય બંગાની
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.): ભારતીય અમેરિકન અજય બંગાની વર્લ્ડ બૅન્કના આગામી પ્રેસિડન્ટ તરીકેના નૉમિનેશનને ત્રણ નોબેલ પારિતોષિક વિજેતા સહિત પંચાવન ખ્યાતનામ ઍકૅડેમિક્સ અને અર્થશાસ્ત્રીઓના એક ગ્રુપે સમર્થન આપ્યું છે. વર્લ્ડ ઇકૉનૉમી અત્યારે મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે બંગાને આ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનું સુકાન સંભાળવા માટે સૌથી સક્ષમ અને યોગ્ય વ્યક્તિ ગણાવ્યા હતા. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ગયા મહિને વર્લ્ડ બૅન્કના આગામી પ્રેસિડન્ટ તરીકે બંગાને નૉમિનેટ કર્યા હતા.
જાહેરમાં સમર્થન આપતો આ લેટર ગુરુવારે પબ્લિશ થયો હતો. ૫૫ ઍડ્વોકેટ્સ, ઍકૅડેમિક્સ, એક્ઝિક્યુટિવ્ઝ, ખ્યાતનામ હસ્તીઓ તેમ જ ભૂતપૂર્વ સરકારી અધિકારીઓએ વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટના પદ માટે આ બિઝનેસ લીડરના નૉમિનેશનને સપોર્ટ આપ્યો હતો, જેનાથી સંકેત મળે છે કે માસ્ટરકાર્ડના આ ભૂતપૂર્વ સીઈઓની ઉમેદવારી વધારે મજબૂત થઈ રહી છે.
બંગાની ઉમેદવારીને સમર્થન આપનારા નોબેલ પારિતોષિત વિજેતાઓમાં ૨૦૦૧માં ઇકૉનૉમિક સાયન્સિસમાં નોબેલ પારિતોષિક જીતનાર ડૉ. જોસેફ સ્ટિગ્લિત્ઝ, ૨૦૦૧માં ઇકૉનૉમિક સાયન્સિસમાં નોબેલ પારિતોષિક જીતનાર ડૉ. માઇકલ સ્પેન્સ તેમ જ ૨૦૦૬માં નોબેલ પીસ પ્રાઇઝ જીતનારા પ્રોફેસર મુહમ્મદ યુનુસ સામેલ છે.
આ લેટરમાં લખવામાં આવ્યું છે કે ‘ખરેખર ગ્લોબલ સિટિઝન અજય પાસે વિકાસશીલ ઇકૉનૉમીઝમાં કામ કરવાનો અને રહેવાનો વ્યાપક અનુભવ છે. તેઓ ખૂબ સારી રીતે સમજે છે કે જો લોકો અને કુદરત એકબીજાથી અલગ નહીં, પરંતુ સાથે વિકસે તો જ ટકાઉ આર્થિક વિકાસ હાંસલ થઈ શકે છે.’
૨૦૧૬માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પુણેમાં ૧૯૫૯ની ૧૦ નવેમ્બરે જન્મેલા અજય બંગા સૈની સિખ પરિવારમાંથી આવે છે. તેમના ફાધર લેફ્ટનન્ટ જનરલ (રિટાયર) હરભજન સિંહ મૂળ પંજાબના જાલંધરના છે. અજયે સિકંદરાબાદ, જાલંધર, દિલ્હી, અમદાવાદ અને શિમલા સહિત જુદાં-જુદાં શહેરોની સ્કૂલોમાં સ્ટડી કર્યો છે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ઇકૉનૉમિક્સમાં ગ્રૅજ્યુએશન ડિગ્રી મેળવી અને એ પછી આઇઆઇએમ-અમદાવાદમાં પણ સ્ટડી કર્યો હતો. તેમને ૨૦૧૬માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ માસ્ટરકાર્ડમાં જુદાં-જુદાં પદો પર કામ કરી ચૂક્યા છે. તેમની પાસે ૩૦ વર્ષનો અનુભવ છે. તેઓ અમેરિકન રેડ ક્રૉસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં પણ સર્વિસ આપી ચૂક્યા છે.