19 April, 2023 12:19 PM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનની ઑફિસમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન ખાલિસ્તાની સપોર્ટર્સ દ્વારા રાષ્ટ્રીય ધ્વજને ઉતારવામાં આવ્યાને લગભગ એક મહિના બાદ હવે એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ આ મામલે તપાસ શરૂ કરી છે.
ગૃહ મંત્રાલયના કાઉન્ટર ટેરરિઝમ ઍન્ડ કાઉન્ટર રૅડિકલાઇઝેશન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલાં એનઆઇએને આ કેસ સોંપવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના આદેશ પર એનઆઇએએ એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
આ એજન્સીએ દિલ્હી પોલીસ પાસેથી આ કેસ હાથ પર લીધો છે. દિલ્હી પોલીસે યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.
યુકેના પ્રતિનિધિઓ સાથે ગયા અઠવાડિયામાં એક મીટિંગ બાદ ગૃહ મંત્રાલયે એનઆઇએને આ કેસ સોંપવાનો નિર્ણય કર્યો હતો. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ રૅન્કના ઑફિસર સહિત એનઆઇએની સ્પેશ્યલ ટીમ કદાચ ટૂંક સમયમાં જ લંડનમાં જશે.
લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશન ખાતે ૧૯મી માર્ચે ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને ખાલિસ્તાની ઝંડા લહેરાવતા પ્રદર્શનકર્તાઓના એક ગ્રુપે રાષ્ટ્રીય ધ્વજ ઉતાર્યો હતો.