News In Shorts : એમપૉક્સ હવે ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી નહીં

12 May, 2023 12:08 PM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરી ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન એમપૉક્સના દુનિયાભરમાં ૮૭,૦૦૦ કન્ફર્મ કેસ હતા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

એમપૉક્સ હવે ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી નહીં

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ગઈ કાલે જાહેર કર્યું હતું કે એમપૉક્સ હવે ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી નથી. એમપૉક્સ બીમારી આ પહેલાં મન્કીપૉક્સ તરીકે જાણીતી હતી. ડબ્લ્યુએચઓએ જુલાઈ ૨૦૨૨માં એમપૉક્સને આંતરરાષ્ટ્રીય ચિંતા ધરાવતી પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી હતી. 

જાન્યુઆરી ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન એમપૉક્સના દુનિયાભરમાં ૮૭,૦૦૦ કન્ફર્મ કેસ હતા. એના કારણે ૧૪૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ૧૧૧ દેશો કે પ્રદેશોમાં આ કેસ આવ્યા હતા. એકલા અમેરિકામાં જ ૩૦,૦૦૦થી વધુ કેસ આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી દુનિયાભરમાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

મિલાન બ્લાસ્ટથી હચમચ્યું

ઇટલીના મિલાનમાં ગઈ કાલે એક વૅનમાં વિસ્ફોટ બાદ એક બિલ્ડિંગમાં લાગેલી આગને બુઝાવવાની કોશિશ કરી રહેલા ફાયર ફાઇટર્સ. આ આગમાં અનેક વાહનો ખાખ થયાં હતાં. ઑક્સિજન ગૅસ કૅનિસ્ટર્સને લઈને જતી એક વૅનમાં બ્લાસ્ટ થયો હતો. 

ઇન્ટરનૅશનલ સ્પૅમ કૉલ્સ મામલે આઇટી મંત્રાલય વૉટ્સઍપને નોટિસ મોકલશે

રાજ્ય કક્ષાના આઇટી પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે જણાવ્યું હતું કે અજાણ્યા ઇન્ટરનૅશનલ નંબર્સ પરથી સ્પૅમ કોલ્સના મુદ્દે આઇટી મંત્રાલય વૉટ્સઍપને નોટિસ મોકલશે. 
આ પ્રધાને કહ્યું હતું કે ‘ડિજિટલ નાગરિકોની સેફ્ટીની ખાતરી રાખવાની જવાબદારી ડિજિટલ પ્લૅટફૉર્મ્સની છે. સરકાર યુઝર્સની પ્રાઇવસીના ભંગ કે મિસયુઝની દરેક ઘટના પર ઍક્શન લેશે. 

આ પ્રધાનની કમેન્ટ્સ ખૂબ જ મહત્ત્વની છે કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી ઇનકમિંગ ઇન્ટરનૅશનલ સ્પૅમ કૉલ્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અનેક યુઝર્સે ટ્‌વિટર પર ફરિયાદ કરી હતી કે આ સ્પૅમ કૉલ્સમાંથી મોટા ભાગનો કન્ટ્રી કોડ ઇન્ડોનેશિયા, વિયેટનામ, મલેશિયા, કેન્યા અને ઇથિયોપિયાનો હોય છે.

international news milan monkeypox world health organization geneva whatsapp