11 April, 2023 12:20 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક ફાઇલ તસવીર
ટ્વિટર, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઇલૉન મસ્કે ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફૉલો કરવાનું શરૂ કર્યું છે. હાલ મસ્ક ૧૯૫ લોકોને ફૉલો કરે છે. તેમની લિસ્ટના એક સ્ક્રીનશૉટને ટ્વિટર પર શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં વડા પ્રધાન મોદીનું નામ પણ છે. મસ્કને ટ્વિટર પર ૧૩.૪૩ કરોડ લોકો ફૉલો કરે છે, જે સૌથી વધુ છે. વડા પ્રધાન મોદીને ૮.૭૭ કરોડ લોકો ફૉલો કરે છે, જે નેતાઓમાં સૌથી વધુ છે. લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ટેસ્લા ભારત આવી રહી હોવાથી આ થયું છે.
સોશ્યલ મીડિયામાં દલાઈ લામાનો એક વિડિયોને લઈને વિવાદ થયો છે, જેમાં તે એ બાળકને કિસ કરી રહ્યા છે. લોકોની પ્રતિક્રિયા બાદ દલાઈ લામાની સંસ્થાએ એક નિવેદન બહાર પાડીને માફી માગી હતી. સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘એમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો બાળક અને તેના પરિવારની માફી માગું છે. દલાઈ લામા ઘણી વખત લોકોને મળે ત્યારે મજાકિયા અંદાજમાં તેમને ચીડવે છે. જાહેરમાં તેમ જ કૅમેરાની સામે પણ તેમને આ ઘટના પર દુઃખ છે.’ વાઇરલ વિડિયોમાં તેઓ એક બાળકના હોઠ પર કિસ કરે છે તેમ જ ત્યાર બાદ તેને પોતાની જીભ ચૂસવા માટે કહે છે, જેના પર લોકો ભડક્યા હતા. એક યુઝરે તો બાળકોના યૌન શોષણ માટે તેમની ધરપકડ કરવાની માગણી પણ કરી હતી. દરમ્યાન તેમનો બચાવ કરનારાઓનું કહેવું છે કે આ એક તિબેટની પ્રથા છે, જેમાં સન્માન પ્રગટ કરવા માટે જીભ બતાવવામાં આવે છે. જીભને ચૂસવાની કોઈ વાત નથી.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ ગઈ કાલે જણાવ્યું હતું કે ૧૦ મેએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારોની પહેલી યાદી આજે કે આવતી કાલે જાહેર કરવામાં આવશે. યાદીને આખરી ઓપ આપવા વિશે કોઈ મૂંઝવણ નથી તેમ છતાં કેટલીક ચર્ચા કરવાની બાકી હોવાથી આ યાદી આજે અથવા આવતી કાલે જાહેર કરાશે એવી સ્પષ્ટતા તેમણે દિલ્હીમાં પત્રકારો સમક્ષ કરી હતી.