20 March, 2023 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પોર્ટ સિટી મારિયુપોલની મુલાકાત લીધી હતી. રશિયન સરકારી ન્યુઝ એજન્સીઓએ ગઈ કાલે સવારે આ જાણકારી પૂરી પાડી હતી. યુક્રેનના પ્રદેશમાં આ તેમની પહેલી મુલાકાત હતી. રશિયાએ સપ્ટેમ્બરમાં મારિયુપોલનો રશિયામાં સમાવેશ કર્યો હતો. પુતિને શનિવારે મારિયુપોલની નજીક ક્રિમિયાની પણ મુલાકાત લીધી હતી.
સાઉથઈસ્ટ ઑસ્ટ્રેલિયાના મેનિન્ડી શહેરમાં શુક્રવારે લાખો મરેલી માછલીઓ તણાઈને કિનારે ધસી આવી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં આ વિસ્તારમાં ડાર્લિંગ નદીમાં લાખો મરેલી માછલીઓ તરતી જોવા મળી હતી. પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ વિભાગે જણાવ્યાનુસાર દેશમાં ચાલી રહેલી હીટવેવને કારણે આ ઘટના ઘટી છે.
ગૃહપ્રધાન તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે ગઈ કાલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. તેમણે મહાદેવને જળાભિષેક કર્યો હતો. તેમની સાથે તેમનાં પત્ની તેમ જ પૌત્રી જોડાયાં હતાં.
કોંકણના ખેડમાં વિશાળ જનમેદની વચ્ચે ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથને ચેતવણી આપી હતી કે ગદ્દાર અને ખોખાં કહેવાનું બંધ કરો. ગદ્દાર અમે નથી. તમે હિન્દુત્વ અને જનતા સાથે ગદ્દારી કરી છે. સહન કરવાની મર્યાદા આળંગાશે તો જોવા જેવી થશે.