ન્યુઝ શોર્ટમાં : ફ્લૉરિડામાં ઇડાલિયા વાવાઝોડું ત્રાટક્યું

31 August, 2023 09:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એમપીમાં ‘દુનિયાની સૌથી મોટી રાખડી’; અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ કરવા લોકસભાની કમિટીએ ઠરાવ પસાર કર્યો અને વધુ સમાચાર

ફ્લૉરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં ગઈ કાલે ઇડાલિયાને કારણે પડેલા ભારે વરસાદ બાદ પાણીમાં સમાઈ ગયેલા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો. (તસવીર : એ.એફ.પી.)

ફ્લૉરિડામાં ઇડાલિયા વાવાઝોડું ત્રાટક્યું

વૉશિંગ્ટન: અમેરિકાના સ્ટેટ ફ્લૉરિડાના પશ્ચિમ કાંઠે ગઈ કાલે ઇડાલિયા નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. ડેન્જરસ કૅટેગરી-૩ના આ તોફાનને કારણે આ એરિયામાં ભારે વરસાદ પડ્યો હતો. ઓછી વસ્તી ધરાવતા બિગ બૅન્ડ પ્રદેશમાં ઇડાલિયા ત્રાટક્યું હતું. અહીં ૧૯૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુર​ક્ષિત સ્થાનોએ જતા રહેવા કહેવામાં આવ્યું છે, કેમ કે ઇડાલિયાનું જોર વધતું જાય છે. ફ્લૉરિડા હજી ગયા વર્ષના વાવાઝોડા ઇયાનથી થયેલા નુકસાનમાંથી બહાર આવ્યું નથી ત્યાં જ અહીંના લોકોને ઇડાલિયાને કારણે થનારા નુકસાનનો ભય સતાવી રહ્યો છે.

 

વારાણસીમાં ‘શ્રાવણી ઉપાકર્મ’માં ભાગ લીધો બ્રાહ્મણોએ

તસવીર : પી.ટી.આઇ.

વારાણસી: વારાણસીમાં અહલ્યાબાઈ ઘાટ ખાતે ગઈ કાલે ‘શ્રાવણી ઉપાકર્મ’માં ભાગ લેતા બ્રાહ્મણો. વારાણસીના ગંગાના ઘાટો પર વૈદિક વિધિથી આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ ભાગ લીધો હતો. તેમણે સ્નાનાંગ તર્પણ વિધિ પછી ગણપતિ પૂજા, ઋષિ પૂજા, યજ્ઞોપવીત સંસ્કાર અને હવન કર્યાં હતાં. 

 

અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ કરવા લોકસભાની કમિટીએ ઠરાવ પસાર કર્યો

નવી દિલ્હી: લોકસભાની વિશેષાધિકાર કમિટીએ ગઈ કાલે કૉન્ગ્રેસના લીડર અધીર રંજન ચૌધરીનું લોકસભામાંથી સસ્પેન્શન રદ કરવા સર્વાનુમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. આ કમિટી સમક્ષ ચૌધરી ઉપસ્થિત રહ્યા બાદ તેમ જ ગૃહમાં તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક ચોક્કસ કમેન્ટ્સ પ્રત્યે અફસોસની લાગણી વ્યક્ત કર્યા બાદ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ કમેન્ટ્સને કારણે ૧૧મી ઑગસ્ટે સંસદના મૉન્સૂન સેશનના છેલ્લા દિવસે લોકસભામાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચૌધરીએ બીજેપીના મેમ્બર સુનીલ કુમાર સિંહની અધ્યક્ષતાવાળી કમિટીને એમ જણાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો તેમનો ઇરાદો ક્યારેય નહોતો.

 

એમપીમાં ‘દુનિયાની સૌથી મોટી રાખડી’

ભોપાલ: દુનિયાની સૌથી મોટી રાખડી ક્રીએટ કરવા બદલ મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાવા જઈ રહ્યું છે. બીજેપીના લીડર અશોક ભારદ્વાજે ભીંડમાં તેમના ફાર્મહાઉસમાં વિશાળ રાખડી તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ભારદ્વાજે જણાવ્યું કે આ ટાસ્કને કમ્પ્લીટ કરવા માટે એક એજન્સીને હાયર કરવામાં આવી છે. ૧૦થી વધુ કારીગરો આ રાખડી તૈયાર કરી રહ્યા છે; જેને કપબોર્ડ, થર્મોકોલ શીટ્સ અને લાકડા જેવા મટીરિયલ્સમાંથી તૈયાર કરવામાં આવી રહી છે. આ રાખડીના વચ્ચેના ગોળાકાર ભાગનો વ્યાસ ૨૫ ફુટ છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ આ રાખડીની સમીક્ષા કરવા માટે આજે ભીંડ આવી પહોંચશે. યોગ્ય પ્રક્રિયા પૂરી કર્યા બાદ આ રાખડીને દુનિયાની સૌથી મોટી રાખડી જાહેર કરવામાં આવશે. 

 

સ્માઇલ પ્લીઝઃ પ્રજ્ઞાને વિક્રમની ઇમેજ ક્લિક કરી

નવી દિલ્હીઃ ચન્દ્રયાન-3ના રોવર પ્રજ્ઞાને ગઈ કાલે લૅન્ડર વિક્રમની એક ઇમેજ શૅર કરી હતી. રોવરે એના નૅવિગેશન કૅમેરાનો ઉપયોગ કરીને આ પહેલી ઇમેજ ક્લિક કરી હતી. ચન્દ્ર પર લૅન્ડિંગ કરવામાં આવ્યું ત્યારથી રોવરે ક્લિક કરેલી આ પહેલી ઇમેજ છે. અત્યાર સુધીના તમામ ફોટોગ્રાફ્સ અને વિડિયોઝને વિક્રમ દ્વારા કૅપ્ચર કરવામાં આવ્યા હતા. રોવરે ક્લિક કરેલા ફોટોગ્રાફને શૅર કરતાં ઇસરોએ એક્સ પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘સ્માઇલ પ્લીઝ, પ્રજ્ઞાન રોવરે ગઈ કાલે સવારે વિક્રમ લૅન્ડરની એક ઇમેજ ક્લિક કરી છે. ‘ઇમેજ ઑફ ધ મિશન’ને રોવરમાં રહેલા નેવિગેશન કૅમેરા દ્વારા ક્લિક કરવામાં આવી છે.’ રોવરમાં રહેલા નેવિગેશન કૅમેરાને બૅન્ગલોરમાં ધ લૅબોરેટરી ફૉર ઇલેક્ટ્રો-ઑપ્ટિક્સ સિસ્ટમ્સ દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે. રોવરે ચન્દ્રના દ​િક્ષણ ધ્રુવ પાસે સલ્ફરની શોધ કરી હતી એના એક દિવસ પછી જ આ નવો ફોટો શૅર કરાયો છે. રોવરે ​ઍલ્યુમિનિયમ, કૅલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટિટેનિયમ, મૅન્ગેનીઝ, સિલિકૉન અને ઑક્સિજન પણ ડિટેક્ટ કર્યા છે. 

national news international news gujarat news chandrayaan 3 florida raksha bandhan madhya pradesh varanasi