News in Short: જર્મનીએ યુક્રેનને આપી ટૅન્ક, રિશી સુનકે પગલાને બિરદાવ્યું

26 January, 2023 02:52 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

તેમણે કહ્યું હતું કે ‘નાટોના સાથીપક્ષો અને મિત્રોએ યુક્રેનને ટૅન્ક આપીને યોગ્ય નિર્ણય કર્યો છે

રિશી સુનક

જર્મનીએ યુક્રેનને આપી ટૅન્ક, રિશી સુનકે પગલાને બિરદાવ્યું

લંડન : રશિયા સામે લડવા માટે યુક્રેનને જર્મનીએ યુદ્ધ ટૅન્ક આપવાનો નિર્ણય લીધો છે. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે જર્મનીના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘નાટોના સાથીપક્ષો અને મિત્રોએ યુક્રેનને ટૅન્ક આપીને યોગ્ય નિર્ણય કર્યો છે. જર્મનીએ મોકલેલી લેપર્ડ નામની ટૅન્ક બ્રિટનની ચૅલેન્જર ટૂએસ નામની ટૅન્ક સાથે મળીને યુક્રેનના બચાવને વધુ મજબૂત બનાવશે.’  જર્મનીના આ પગલા બાદ હવે અમેરિકા પર પણ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનની મદદ કરવાને લઈને દબાણ વધ્યું છે. બીજી તરફ રશિયાએ એવો દાવો કર્યો છે કે અત્યાર સુધી પશ્ચિમના દેશોએ આપેલાં શસ્ત્રોના જે હાલ થયાં છે એવા જ હાલ જર્મનીની ટૅન્કના થશે. 

બાગેશ્વરધામની સુરક્ષા વધારાઈ

છત્તરપુર : બાગેશ્વરધામવાળા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળેલી ધમકી બાદ તેમના મધ્ય પ્રદેશના છત્તરપુરમાં આવેલા ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. તેમના ઘરની બહાર હવે પોલીસ ઉપરાંત પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ પણ તહેનાત છે. ઘરની અંદર કોઈને પણ જવાની પરવાનગી નથી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભલે ઘરમાં ન રહેતા હોય, પરંતુ આ ઘર પણ અંધશ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. બાગેશ્વરધામ આવનારા લોકો ઘર સામે માથું ટેકવીને અહીંથી આગળ વધી રહ્યા છે. કેટલાક દિવસથી બાગેશ્વરધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં અહીં ભંડારો પણ ચાલે છે, જ્યાં લોકો પ્રસાદ લે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને મારવાની ધમકીને કારણે આ સુરક્ષા વધારવામાં આવી છે.

હડતાળને લીધે બર્લિનની તમામ ફ્લાઇટ્સ રદ

પગારને લઈને થયેલા વિવાદને કારણે જર્મનીની રાજધાની બર્લિનમાં આવેલા ઍરપોર્ટના કર્મચારીઓએ પાડેલી હડતાળને કારણે તમામ પૅસેન્જર ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. હડતાળને કારણે કુલ ૩૦૦ ફ્લાઇટ્સ રદ થઈ હતી તેમ જ અંદાજે ૩૫,૦૦૦ મુસાફરોને એની અસર પડી છે. પગારને કારણે થયેલા વિવાદને કારણે કર્મચારીઓએ એક દિવસની હડતાળ પાડી હતી. 

બરફનું સામ્રાજ્ય

જપાનમાં આજકાલ ભારે હિમવર્ષા થઈ રહી છે. મંગળવારે થયેલી હિમવર્ષાએ છેલ્લાં ૧૦ વર્ષનાે રેકૉર્ડ તોડ્યો હતો. પરિણામે વાહનવ્યવહાર પર વિપરીત અસર પડી હતી. ગઈ કાલે જપાનના યોકાઇચીમાં હાઇવે પર બરફમાં ફસાયેલી ટ્રકો. તસવીર : એ.એફ.પી.

international news japan berlin rishi sunak uk prime minister Weather Update national news ukraine