midday

News In Shorts : ઉઇગરોના રોજા પર ચીનનો બૅન, જાસૂસો દ્વારા નજર રખાય છે

12 April, 2023 01:08 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ન્યુઝ સર્વિસ રેડિયો ફ્રી એશિયાના એક રિપોર્ટમાં એની જાણકારી આપવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઉઇગરોના રોજા પર ચીનનો બૅન, જાસૂસો દ્વારા નજર રખાય છે

ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે. જોકે ચીનમાં ઉઇગર મુસ્લિમોને રોજા રાખતા રોકવા માટે ચીનની પોલીસ જાસૂસોનો ઉપયોગ કરી રહી છે. આ જાસૂસો ઉઇગરોને પૂછી રહ્યા છે કે તેમણે લંચ કર્યું છે કે નહીં અને સૂર્યાસ્ત પછી ઇફ્તાર માટે એકઠા થવાના છે કે નહીં. તેઓ ઘરો અને મસ્જિદોની પણ તપાસ કરી રહ્યા છે. ન્યુઝ સર્વિસ રેડિયો ફ્રી એશિયાના એક રિપોર્ટમાં એની જાણકારી આપવામાં આવી છે. ​શિનજિયાંગમાં તુરપનના એક પોલીસ-અધિકારી અનુસાર સામાન્ય નાગરિકો, પોલીસ-અધિકારી અને સમિતિઓના સભ્યોમાંથી આ જાસૂસોની પસંદગી કરાય છે. 

મોરબી પાલિકાને આખરે સુપરસીડ કરાઈ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ આખરે રાજ્ય સરકારે આકરી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો. આ દુર્ઘટના માટે મોરબી નગરપાલિકાને જવાબદાર ગણાવવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ૧૩૫ લોકો મૃત્યુ પામ્યાં હતાં. બાવન સભ્યોની નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવતાં અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળાને વહિવટ સોંપવામાં આવ્યો છે. હાઈ કોર્ટની સૂચના બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. નોંધપાત્ર છે કે ૩૦ ઑક્ટોબર ૨૦૨૨ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને સાથે જ એમાં મોરબી નગરપાલિકાની ગંભીર અને જીવલેણ બેદરકારી પણ બહાર આવી હતી. 

મુસ્લિમ છોકરીઓને ફસાવવા હિન્દુઓને અપીલ, આરએસએસએ આ લેટરને ફેક ગણાવ્યો

આરએસએસના નામે સોશ્યલ મીડિયા પર એક લેટર સર્ક્યુલેટ થઈ રહ્યો છે, જેમાં ​મુસ્લિમ છોકરીઓને ફસાવવાની અને તેમને ફરી પાછા સનાતન ધર્મમાં લાવવા માટે હિન્દુઓને હાકલ કરવામાં આવી છે. જોકે આરએસએસએ ગઈ કાલે આ લેટરને ફેક ગણાવ્યો હતો. બે પાનાંનો આ લેટર જોતાં પહેલી નજરે જણાય કે એને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લેટરહેડ પર લખવામાં આવ્યો છે. હવે આરએસએસના મીડિયા સંબંધોના વડા સુનીલ અંબેકરે એક ટ્વીટમાં ખુલાસો કર્યો હતો કે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલો લેટર સંપૂર્ણપણે ફેક છે.’

international news gujarat news morbi xi jinping beijing china ramadan eid national news rashtriya swayamsevak sangh