10 February, 2023 09:19 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિનને મળ્યા હતા અને ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના અમલ માટે સતત કામ કરવા માટે સંમત થયા હતા. મૉસ્કોમાં ભારતીય ઍમ્બસીએ ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘અજિત ડોભાલ પ્રેસિડન્ટ પુતિનને મળ્યા હતા. આ મીટિંગમાં અનેક દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વ્યાપક વાતચીત થઈ હતી.’ ડોભાલ બુધવારે અફઘાનિસ્તાનના મામલે જુદા-જુદા દેશોમાંથી સુરક્ષા પરિષદોના સચિવ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની પાંચમી મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા, જેનું યજમાન રશિયા હતું.
લૉસ ઍન્જલસ (રૉયટર્સ): વૉલ્ટ ડિઝનીએ બુધવારે ખર્ચમાં ૫.૫ અબજ ડૉલર (૪૫૩.૯૯ અબજ રૂપિયા)નો ઘટાડો કરવા અને એના સ્ટ્રીમિંગ બિઝનેસને નફાકારક બનાવવાના એક ભાગરૂપે સાત હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. ડિઝનીના ગ્લોબલ સ્ટાફના અંદાજે ૩.૬ ટકા કર્મચારીઓની છટણી થશે. આ જાહેરાત બાદ ડિઝનીના સ્ટૉક્સમાં ઉછાળો આવ્યો હતો. નોંધપાત્ર છે કે દુનિયાભરની ટેક કંપનીઓ અત્યારે પોતાના સ્ટાફનું કદ ઘટાડી રહી છે.
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા અપનાવી છે. આ સમયગાળામાં સૌથી વધુ ગયા વર્ષે ૨,૨૫,૬૨૦ લોકોએ જ્યારે ૨૦૨૦માં સૌથી ઓછા ૮૫,૨૫૬ લોકોએ તેમની નાગરિકતા છોડી હતી.
બારામુલ્લામાં ગુલમર્ગ ખાતે ભારે બરફ પડ્યા બાદ ચારે બાજુ બરફથી ઢંકાયેલા રેસિડેન્શિયલ એરિયાનો વ્યુ. તસવીર એ.એન.આઇ.