08 October, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઇઝરાયલના શહેર તેલ અવીવમાં રોકેટ્સના હુમલાને પગલે ગુંજી ઊઠેલી સાઇરનને પગલે પોતાને બચાવતા મીડિયાના લોકો
હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર કરેલા હુમલાને ગઈ કાલે એક વર્ષ પૂરું થયું ત્યારે હિઝબુલ્લાએ ઇઝરાયલના ત્રીજા સૌથી મોટા શહેર હાઇફા પર ૧૩૫ મિસાઇલ છોડી હતી. હિઝબુલ્લાના આ હુમલાને લીધે હાઇફામાં અફરાતફરી મચી ગઈ હતી અને સાયરન વાગવાને લીધે લોકો બન્કરમાં આશરો લેવા દોડ્યા હતા. આ હુમલામાં દસ જણ ઘાયલ થયા હતા. હજી ગયા અઠવાડિયે જ ઈરાને ઇઝરાયલ પર ૨૦૦ મિસાઇલ છોડી હતી.
આ બધા વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસે કરેલા અટૅકની પહેલી ઍનિવર્સરીએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે જે થયું એના માટે હું માફી માગું છું, પણ સાત ઑક્ટોબરે જે થયું હતું એ ફરી ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં.’
ચારેબાજુથી ઘેરાયેલા ઇઝરાયલ પર કરવામાં આવેલા ગયા વર્ષના હુમલામાં ૧૨૦૬ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ હમાસે કરેલા અટૅકનાં વખાણ કરતાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીએ કહ્યું હતું કે સાતમી ઑક્ટોબરે કરવામાં આવેલા હુમલાને લીધે ઇઝરાયલ ૭૦ વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે.