રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ભવ્ય વિવાહની તૈયારી

13 November, 2024 10:59 AM IST  |  Janakpur | Gujarati Mid-day Correspondent

અયોધ્યામાં ૧૮ નવેમ્બરે તિલકોત્સવ, ૬ ડિસેમ્બરે જનકપુરમાં લગ્ન

નેપાલના જનકપુરમાં આવેલું જાનકી મંદિર જ્યાં, ભગવાન રામ અને સીતામાતાના વિવાહની તૈયારીઓ ચાલી રહી છે

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે રામલલાના ભવ્ય લગ્નસમારોહની તૈયારીઓ ચાલી રહી છે અને એ માટે માતા સીતાના પિયર નેપાલના જનકપુર ધામમાં હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સદીઓ બાદ આવો ઉત્સવ પહેલી વાર યોજાઈ રહ્યો હોવાથી અયોધ્યા અને જનકપુરના સંબંધો પણ સુધરશે એવી આશા રાખવામાં આવે છે.

સૌથી પહેલાં રામલલાનો તિલકોત્સવ એટલે કે સગાઈ થશે અને એ માટે જનકપુરમાં માતા સીતાના મહેલથી ભગવાન રામને તિલક કરવા માટે ૨૫૧ તિલકહારુ (તિલક કરનારા) ૫૦૧ નેગ (ભેટ) સાથે મોકલવામાં આવશે. આ ભેટમાં જ્વેલરી, કપડાં, કરિયાવર, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય ભેટવસ્તુનો સમાવેશ હશે. તિલકહારુ ૧૬ નવેમ્બરે નેપાલના જનકપુર ધામથી અયોધ્યા માટે રવાના થશે અને ૧૭ નવેમ્બરે તેઓ અયોધ્યા પહોંચશે. ૧૮ નવેમ્બરે રામલલાના તિલકોત્સવની વિધિ યોજાશે. આ વિધિ વખતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

જે દિવસે ભગવાન રામ અને માતા સીતાનાં લગ્ન થયાં હતાં એ દિવસને વિવાહપંચમી તરીકે મનાવવામાં આવે છે અને આ વર્ષે માગસર મહિનાની પંચમી ૬ ડિસેમ્બરે આવે છે એથી આ દિવસે જનકપુર ધામમાં લગ્ન સમારોહ યોજાશે. આ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે.

ayodhya ram mandir nepal national news