Nepal Plane Crash: ઘટનાસ્થળે કોઈ જીવિત મળ્યું નથી, નેપાળ સેનાએ બહાર પાડ્યું નિવેદન

16 January, 2023 09:51 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Online Correspondent

નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જતી વખતે ટ્વીન એન્જિન ATR 72 એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

રવિવારે નેપાળ (Nepal)માં એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) થઈ હતી. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જીવતી બહાર કાઢી શકાઈ નથી. આ વાત નેપાળ સેનાના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહી છે. તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત મળ્યું નથી. આજે સવારથી ફરી સર્ચ ઓપરેશન શરૂ થશે. રવિવારે પોખરા (Pokhara)માં વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની તાકીદની બેઠક બોલાવી હતી. આ સાથે નેપાળના ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

નેપાળની રાજધાની કાઠમંડુ (Kathmandu)થી પોખરા જતી વખતે ટ્વીન એન્જિન ATR 72 એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 4 હજુ પણ લાપતા છે. માર્યા ગયેલાઓમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. પ્લેન ક્રેશનો રિપોર્ટ 45 દિવસમાં અપેક્ષિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારો માટે શોક વ્યક્ત કર્યો અને પ્રાર્થના કરી છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોમાંથી ચાર ઉત્તર પ્રદેશના અને એક બિહારના હતા. યેતી એરલાઈન્સના વિમાનમાં 72 લોકો સવાર હતા. ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ ATR 72 એરક્રાફ્ટ લેન્ડિંગના થોડા સમય પહેલા ક્રેશ થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર ભારતીય યુવકોમાંથી એકે ઘટના પહેલા ફેસબુક પર લાઇવ કર્યું હતું, જેના કારણે પ્લેન દુર્ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

`સ્થળ પરથી કોઈ જીવતું મળ્યું નથી`

વિમાન દુર્ઘટના બાદ નેપાળની સેના બચાવ કાર્યમાં લાગેલી છે. વિમાન દુર્ઘટનામાં પાંચ ભારતીયો સહિત 68 લોકોના મોત થયા હતા. નેપાળની સેનાએ કહ્યું કે તેમને સ્થળ પરથી કોઈ જીવિત મળ્યું નથી.

આ પણ વાંચો: નેપાળમાં 72 પ્રવાસીઓને લઈ જતું વિમાન ક્રેશ, અત્યાર સુધી 68નાં મોતની પુષ્ઠિ

નેપાળમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં ચાર ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના રહેવાસી હતા. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આર્યકા અખોરીએ રવિવારે કહ્યું કે, “નેપાળમાં વિમાન દુર્ઘટનામાં ગાઝીપુરના રહેવાસી સોનુ જયસ્વાલ, અનિલ રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા પણ સામેલ છે. તેઓ કાસિમાબાદ તહસીલના અલગ-અલગ ગામોના રહેવાસી હતા.

international news nepal kathmandu narendra modi