ઍડ્વેન્ચર કરતાં પહેલાં જ અકસ્માત

16 January, 2023 10:46 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

નેપાલમાં પ્લેન-ક્રૅશમાં ૬૮ જણનાં મૃત્યુ, આ ફ્લાઇટમાં પાંચ ભારતીયો પણ હતા, જેમાંથી ચાર ભારતીય પૅરાગ્લાઇડિંગ માટે ગયા હતા

ગઈ કાલે પોખરા ઍરપોર્ટ પર લૅન્ડિંગ પહેલાં તૂટી પડ્યા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. લૅન્ડિંગથી માત્ર દસ સેકન્ડ્સ પહેલાં જ આ વિમાન પહાડ સાથે ટકરાયું હતું અને એમાં આગ લાગી ગઈ અને એ ખીણમાં પડી ગયું હતું.

જે પોખરા ઍરપોર્ટ પર લૅન્ડિંગ થવાનું હતું એને ચીને બનાવ્યું હતું અને આ વર્ષે પહેલી જાન્યુઆરીએ જ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કાઠમાંડુ : નેપાલમાં ગઈ કાલે સવારે વિમાન-અકસ્માતમાં ઓછામાં ઓછા ૬૮ જણનાં મોત થયાં હતાં. આ ફ્લાઇટમાં પાંચ ભારતીયો પણ હતા. જેમાંથી ચાર ભારતીય ટૂરિસ્ટ હબ પોખરામાં પૅરાગ્લાઇડિંગ ઍક્ટિવિટીઝમાં ભાગ લેવા માટે ગયા હતા. આ ચાર ભારતીયો શુક્રવારે જ ભારતમાંથી કાઠમાંડુ પહોંચ્યા હતા.

નેપાલની સિવિલ એવિયેશન ઑથોરિટી અનુસાર યેતી ઍરલાઇન્સના 9એન-એએનસી એટીઆર-72 પ્લેને કાઠમાંડુના ​ત્રિભુવન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી સવારે ૧૦.૩૩ વાગ્યે ઉડાન ભરી હતી અને ૧૧ વાગ્યે પોખરા ઍરપોર્ટ પાસે એ તૂટી પડ્યું હતું. પોખરા નેપાલમાં મહત્ત્વનું એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. આ પ્લેનમાં ૬૮ પૅસેન્જર્સ અને ચાર ક્રૂ મેમ્બર્સ હતા. યેતી ઍરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બારતૌલાએ જણાવ્યું હતું કે બે નાનાં બાળકો સહિત ૧૦ વિદેશી નાગરિકો આ પ્લેનમાં હતાં. જોકે ન્યુઝ એજન્સી એ.એન.આઇ.ના જણાવ્યા અનુસાર આ પ્લેનમાં ૫૩ નેપાલી, પાંચ ભારતીય, ચાર રશિયન, એક આયરિશ, બે કોરિયન, એક આર્જેન્ટિનિયન અને એક ફ્રેન્ચ નાગરિક હતા. 

યેતી ઍરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં રહેલા પાંચ ભારતીયોની અભિષેક કુશવાહા, બિશાલ શર્મા, અનિલકુમાર રાજભર, સોનુ જયસ્વાલ અને સંજય જયસ્વાલ તરીકે ઓળખ કરવામાં આવી છે. ભારતીય એમ્બેસીએ પણ કન્ફર્મ કર્યું હતું કે ૬૮ પૅસેન્જર્સમાં પાંચ ભારતીયો સામેલ હતા. 

આ પણ વાંચો :  નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના: 68 મુસાફરો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું

પોખરામાં ક્રૅશના સ્થળે કામગીરી કરી રહેલા બચાવ-કાર્યકરો.

નેપાલના પત્રકાર દિલીપ થાપાએ જણાવ્યું હતું કે પ્લેન તૂટી પડ્યા બાદ એમાં આગ લાગી હોવાને કારણે બચાવ કામગીરી કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. 

આ પ્લેન પોખરા ઍરપોર્ટ પર લૅન્ડ થવા જઈ રહ્યું હતું ત્યારે એ સેતી નદીના કાંઠે ખીણમાં તૂટી પડ્યું હતું. ટેક-ઑફના ૨૦ મિનિટ પછી આ અકસ્માત થયો હતો. 

સેંકડો બચાવ કાર્યકરો કાટમાળમાંથી પીડિતોને શોધી રહ્યા હતા. નેપાલની સિવિલ એવિયેશન ઑથોરિટીના પ્રવક્તા જગન્નાથ નિરૌલાએ જણાવ્યું હતું કે હવામાન સ્વચ્છ હતું. 

અકસ્માતના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઊમટી આવ્યા હતા.

પોલીસ અધિકારી અજય કેસીએ જણાવ્યું હતું કે ‘આ પ્લેનમાં આગ લાગી છે. બચાવ કાર્યકરોને આ ટૂરિસ્ટ ટાઉનના ઍરપોર્ટની પાસે બે પર્વત વચ્ચેની ખીણના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી નડી હતી.’

એવિયેશન ઑથોરિટીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ખીણમાંથી સવારે ૧૦.૫૦ વાગ્યે આ પ્લેને ઍરપોર્ટ સાથે કૉન્ટૅક્ટ કર્યો હતો. ખુમ બહાદુર છેત્રી નામની એક લોકલ વ્યક્તિએ જણાવ્યું હતું કે અડધું પ્લેન પર્વત પર હતું, જ્યારે પ્લેનનો બીજો ભાગ ખીણમાં પડ્યો હતો. 

international news nepal kathmandu