23 August, 2024 02:18 PM IST | Nepal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
નેપાળમાંથી ખૂબ જ દર્દનાક સમાચાર (Nepal Bus Accident) સામે આવ્યા છે. નેપાળમાં કુલ 40 જેટલા ભારતીય મુસાફરોને લઈ જઈ રહેલ એક બસને ભીષણ અકસ્માત નડ્યો છે. 40 યાત્રીઓને લઈ જતી બસ તનાહુન જિલ્લાની મર્સ્યાંગડી નામની નદીમાં ગરકાવ થઈ ગઈ છે.
આ બસ પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે આ બસને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. અત્યારે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે 14 મુસાફરોના જીવ ગયા છે. ગોરખપુર રજિસ્ટર્ડ બસ અહીંથી મુસાફરોને લઈને નેપાળ તરફ ગઈ હતી. આ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મહારાષ્ટ્રના રહેવાસી હોવાની જાણ પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
14 યાત્રીઓની લાશ મળી, 16 લોકો ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાજગંજના SDM અને ADM ને નેપાળ મોકલવામાં આવી રહ્યા છે. નેપાળની સશસ્ત્ર પોલીસના સહાયક પ્રવક્તા શૈલેન્દ્ર થાપાએ જણાવ્યું કે ઘટના સ્થળેથી 14 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે માહિતી આપી હતી કે 16 ઘાયલ લોકો ઘાયલ થયા છે અત્યારે બચાવી લેવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
અત્યારે તો જે માહિતી સામે આવી છે તેમાં એવું જણાઈ રહ્યું છે કે આ બસ (Nepal Bus Accident) ગોરખપુરથી નેપાળ જઈ રહી હતી. અત્યારે સ્થાનિક પોલીસ ઓફિસના ઈન્સ્પેક્ટર અબુ ખૈરેની ઘટનાસ્થળે હાજર છે. સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી છે. બસનો નંબર UP 53 FT 7623 સામે આવ્યું છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે આ મુદ્દે પોતાનું નિવેદન જારી કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અમે એ જાણવા માટે સંપર્ક સ્થાપિત કરી રહ્યા છીએ કે બસમાં ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ હતો કે કેમ. અત્યારે આ ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
અત્યારે સશસ્ત્રદળની ટીમો તહેનાત કરવામાં આવી છે
ઘટના (Nepal Bus Accident)ની જાણ થતાં જ સશસ્ત્ર પોલીસ દળ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક માધવ પૌડેલના નેતૃત્વમાં 45 જેટલી સશસ્ત્ર પોલીસ દળનાં કર્મચારીઓની આખી ટીમ બચાવ કામગીરી માટે જોતરાઈ ગઈ છે. આ આખી ટીમ અકસ્માત સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી છે.
આ પહેલા જુલાઈમાં પણ નદીમાં બે બસો પડી જવાની દુર્ઘટના (Nepal Bus Accident) સામે આવી હતી. આ જ વર્ષની શરૂઆતમાં નેપાળની ત્રિશૂલી નદીમાં બે બસ પડી જવાને કારણે તેમાં મુસાફરી કરી રહેલા 65 લોકો તણાઇ ગયા હતા.