17 February, 2023 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: નીલ મોહનનું લિન્ક્ડઇન એકાઉન્ટ
ભારતીય મૂળના નીલ મોહન (Neal Mohan) હવે યુટ્યુબ (YouTube)ના નવા સીઈઓ બનશે. તેઓ સુસાન વોજસિકી (Susan Wojcicki)ની જગ્યા લેશે. છેલ્લાં નવ વર્ષથી વિશ્વની સૌથી મોટી વીડિયો સાઈટ યુટ્યુબનું નેતૃત્વ કરનાર સુસાન વોજસિકી પોતાની ભૂમિકા છોડી રહી છે. તેમનું સ્થાન તેમના લાંબા સમયથી જુનિયર નીલ મોહન લેશે.
યુટ્યુબની પેરેન્ટ કંપની Alphabet Incએ ગુરુવારે 16 ફેબ્રુઆરીએ આ માહિતી આપી હતી. યુટ્યુબના કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં, સુસાન વોજસિકીએ જણાવ્યું હતું કે તે “મારા પરિવાર, આરોગ્ય અને વ્યક્તિગત પ્રોજેક્ટ પર કેન્દ્રિત એક નવો અધ્યાય શરૂ કરવા માટે હું YouTube છોડી રહી છું.”
YouTubeએ વિશ્વનું સૌથી લોકપ્રિય વીડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. નીલ મોહન યુટ્યુબના વરિષ્ઠ ઉપપ્રમુખની ભૂમિકા પણ નિભાવશે. નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઑફિસર છે. તેઓ નવેમ્બર 2015માં યુટ્યુબ સાથે જોડાયા હતા. તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ, નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે અને એક્સચેન્જ કંપની સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી છે.
આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સુસાને એક અસાધારણ ટીમ બનાવી છે અને તેને નીલ જેવો એક અનુગામી મળ્યો છે જે YouTubeને તેની સફળતાના આગામી દાયકામાં લઈ જવા માટે તૈયાર છે."
આ વિશે નીલ મોહને ટ્વિટ કરી કહ્યું કે તેઓ આ મહત્વપૂર્ણ મિશન ચાલુ રાખવા માટે ઉત્સાહિત છે અને નવા ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, “આભાર સુસાન વોજસિકી, તમારી સાથે વર્ષો કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. તમે YouTubeને સર્જકો અને દર્શકો માટે એક અસાધારણ ઘર બનાવ્યું છે. હું આ મહત્વપૂર્ણ મિશન ચાલુ રાખવા માટે ઉત્સાહિત છું."
આ પણ વાંચો: નાયગ્રા ફૉલ્સમાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ખીણમાં પડી જતાં મહિલાનું મૃત્યુ
નીલ પહેલાં પણ ભારતીય મૂળના ઘણા લોકોએ સિલિકોન વેલીમાં ડંકો વગાડ્યો છે. તેમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણાના નામ સામેલ છે. આ ઉપરાંત, વિશ્વની ઘણી મોટી-ટેક કંપનીઓ હાલમાં ભારતીય મૂળના લોકો દ્વારા ચલાવવામાં આવે છે. યુએસમાં ઉત્તરી કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોનો ખીણ વિસ્તારનો સિલિકોન વેલી તરીકે પ્રખ્યાત છે.