કારગિલમાં થયેલા યુદ્ધને પોતાની ભૂલ ગણાવી પાકિસ્તાને

30 May, 2024 02:43 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પચીસ વર્ષ બાદ નવાઝ શરીફની જીભ પર સત્ય આવ્યું; કહ્યું, ૧૯૯૯માં અમારી ભૂલ થઈ હતી

ફાઇલ તસવીર

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે મંગળવારે એ સ્વીકાર્યું હતું કે વર્ષ ૧૯૯૯માં એમના અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે થયેલી લાહોર સમજૂતીને તોડવા માટે ઇસ્લામાબાદ જવાબદાર છે.

નવાઝ શરીફે જે વાત કરી છે એ જનરલ પરવેઝ મુશરફે કારગિલમાં યુદ્ધ છેડીને આ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું એ સંદર્ભમાં હોવાનું મનાય છે.

નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠરાવ્યા હતા એનાં છ વર્ષ બાદ સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) (PML-N)ની જનરલ કાઉન્સિલની બેઠકમાં તેમને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકને સંબોધતાં નવાઝ શરીફે કહ્યું હતું કે ‘૧૯૯૮ની ૨૮ મેએ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણ કર્યાં અને એ પછી વાજપેયી સાહેબ અહીં આવ્યા અને અમારી સાથે તેમણે એક સમજૂતી કરી, પણ અમે એ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું, આ અમારી ભૂલ હતી.’

૧૯૯૯ની ૨૧ ફેબ્રુઆરીએ લાહોરમાં ઐતિહાસિક શિખર સંમેલન બાદ શરીફ અને વાજપેયીએ લાહોર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેઉ દેશોએ શાંતિ અને સ્થિરતાની વાત કરીને ભવિષ્યમાં મજબૂત સંબંધો પર જોર આપ્યું હતું, પણ કેટલાક મહિના બાદ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં ઘૂસણખોરી કરી જેના પગલે કારગિલ યુદ્ધ થયું હતું.

પાકિસ્તાને કરેલા પ્રથમ પરમાણુ પરીક્ષણની ૨૬મી વર્ષગાંઠે નવાઝ શરીફે કહ્યું હતું કે ‘અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને પાકિસ્તાનને પરમાણુ પરીક્ષણ રોકવા માટે પાંચ અબજ અમેરિકન ડૉલર (આશરે ૪૧,૬૯૫ કરોડ રૂપિયા)ની સહાયની ઑફર કરી હતી, પણ મેં એ ઠુકરાવી દીધી હતી. જોકે મારી જગ્યાએ જો ઇમરાન ખાન હોત તો તેણે આ ઑફર સ્વીકારી લીધી હોત.’

૭૪ વર્ષના નવાઝ શરીફે જણાવ્યું હતું કે ‘૨૦૧૭માં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે મને ખોટા કેસમાં ફસાવીને વડા પ્રધાનપદેથી હટાવી દીધો હતો. મારી સામેના તમામ કેસ ખોટા હતા, પણ ઇમરાન ખાન સામેના તમામ કેસ સાચા હતા.’  

india pakistan nawaz sharif kargil war kargil international news