23 September, 2024 06:51 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
અમેરિકામાં નાસાઉ કાઉન્ટી કોલિઝિયમમાં ઉપસ્થિત ભારતીય સમુદાયને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘તમે ભારતના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છો એથી હું તમને રાષ્ટ્રદૂત કહું છું. તમે ભારતને અમેરિકાથી અને અમેરિકાને ભારતથી કનેક્ટ કર્યું છે. તમારો કોઈ મુકાબલો નથી. તમે સાત સમંદર પાર આવ્યા છો, પણ કોઈ સમુદ્ર એટલો ઊંડો નથી જે તમારા ભારત સાથેના તમારા સંબંધને ડુબાડી શકે.’
મોદીએ બીજું શું કહ્યું?
આપણે જ્યાં જઈએ છીએ ત્યાં એ દેશના લોકોને જ પરિવાર સમજીને ભળી જઈએ છીએ, આપણે જીવનમાં વિવિધતાને ઉતારીએ છીએ, એ આપણી રગમાં છે, કારણ કે ભારતમાં વિવિધ ભાષા, સમાજ અને ધર્મ છે. ભાષા અલગ છે, પણ ભાવ એક છે. મા ભારતીએ જે શીખવ્યું છે એ કદી ભૂલી નહીં શકીએ.
ભાષા અનેક છે, પણ ભાવ એક છે, ભારતીયતાનો ભાવ છે. દુનિયા સાથે જોડાવા માટે આ આપણી સૌથી મોટી તાકાત છે. એ આપણને સહજ રીતે વિશ્વબંધુ બનાવે છે.
ભારતીયોના સામર્થ્યને હું સમજી શકું છું. અમે બીજાનું ભલું કરીને, ત્યાગ કરીને બીજાનું ભલું ઇચ્છીએ છીએ. કોઈ પણ દેશમાં રહેવાથી એ ભાવના નથી બદલાતી. જ્યાં રહીએ છીએ ત્યાં વધારેમાં વધારે યોગદાન કરીએ છીએ.
દુનિયા માટે AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, પણ મારા માટે AI એટલે અમેરિકન ઇન્ડિયન એમ હું માનું છું. અમેરિકા ઇન્ડિયા એ સ્પિરિટ છે અને એ દુનિયાનો નવો પાવર છે. આ સ્પિરિટ બે દેશના સંબંધને વધુ ઉજ્જ્વળ બનાવે છે.
ભારતની ટૅલન્ટનો કોઈ મુકાબલો નથી. તમે અહીં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવી છે. હું તમને સૌને સૅલ્યુટ કરું છું.
ગઈ કાલે અમેરિકામાં નાસાઉ કાઉન્ટી કોલિઝિયમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય સમુદાયને નરેન્દ્ર મોદીએ સંબોધ્યા હતા. એ પ્રસંગે જાણીતા સિંગર આદિત્ય ગઢવીએ પર્ફોર્મ કર્યું હતું. વડા પ્રધાન તેને જોઈને ભેટી પડ્યા હતા. પીએમના ચાહકો ‘જો બકા મોદીજી આપણા જ’ લખેલાં ટી-શર્ટ પહેરીને આવ્યા હતા.
દુનિયાના દરેક લીડરના મોઢે હું ભારતીય ડાયાસ્પોરાની તારીફ સાંભળું છું.
ભારતમાં થયેલી ચૂંટણી માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી હતી. અમેરિકાની કુલ વસ્તીના બમણા મતદારોએ ભારતમાં તેમનો મતાધિકાર બજાવ્યો હતો. આ ગર્વની બાબત છે.
દરેક ભારતીય ઇચ્છે છે કે આપણે ત્રીજી વર્લ્ડ ઇકૉનૉમી બનીએ. ૧૦ વર્ષમાં પાંચમા સ્થાન સુધીની મજલ આપણે કાપી છે.
દરેક ભારતીયની ઇચ્છા અને આકાંક્ષા હવે વધી ગઈ છે. ૨૦૧૪માં પાંચ શહેરોમાં મેટ્રો હતી, હવે એ વધીને ૨૩ શહેર સુધી વિસ્તરી છે.
સ્થાનિક સમય અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બપોરે સવાબાર વાગ્યે નાસાઉ કાઉન્ટી કોલિઝિયમ પહોંચ્યા હતા. એ પહેલાં વિદેશપ્રધાન એસ. જયશંકરે નાસાઉ કોલિઝિયમનો એક વિડિયો શૅર કરીને લખ્યું હતું કે વડા પ્રધાન મોદીના સંબોધન માટે સ્ટેજ તૈયાર છે
આ પહેલાં સિંગર ચંદ્રિકા ટંડનના નેતૃત્વ હેઠળ વિદેશી સંગીતકારોએ વંદે માતરમ ગીત રજૂ કર્યું હતું. રૅપર અને સંગીતકાર હ્યુમનકાઇન્ડ, કિરણ અને નિવી તથા ગુજરાતી સિંગર આદિત્ય ગઢવીએ પર્ફોર્મન્સ આપ્યા હતા જેને લીધે લોકો ઝૂમી ઊઠ્યા હતા.