22 August, 2024 06:42 AM IST | Poland | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ગઈ કાલે પોલૅન્ડ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવાનગર રજવાડાના જામસાહેબના સ્મારક પર જઈને મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન બેઘર થઈ ગયેલાં પોલૅન્ડનાં બાળકોને મદદ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨માં તેમણે જામનગરના બાલાચડીમાં પોલૅન્ડનાં ૬૫૦ નિરાશ્રિત બાળકો માટે કૅમ્પ શરૂ કરીને તેમને આશ્રય આપ્યો હતો. આ કૅમ્પમાં તેમને રહેવા ઉપરાંત ઍજ્યુકેશન, હેલ્થકૅર અને કલ્ચરલ ઍક્ટિવિટીઝ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને મહારાજા પોતે એનું ધ્યાન રાખતા હતા. મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાનો આ માનવતાવાદી અભિગમ પોલૅન્ડના લોકોને બહું જ ગમ્યો હતો અને એટલે જ તેમની આ ઉદારતા બદલ વૉર્સોની સ્ટ્રીટને તેમનું નામ આપવામાં આવ્યું હતું. બાલાચડીમાં પોલૅન્ડનાં બાળકો માટે શરૂ કરવામાં આવેલો કૅમ્પ ૧૯૪૫ સુધી ચાલ્યો હતો ત્યાર બાદ આ બાળકોનું મહારાષ્ટ્રના વાલિવડે ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.