09 June, 2023 11:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનાના અંતમાં અમેરિકાની મુલાકાત પહેલાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
અમેરિકન સંસદસભ્યોએ બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનને પ્રાથમિકતાના ધોરણે ઇન્ડિયન ઍપ્લિકન્ટ્સ માટે વિઝા માટેના વેઇટિંગ પિરિયડના મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દ્વિપક્ષી સંબંધોમાં બન્ને દેશના લોકો વચ્ચેના સંબંધો નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનાના અંતમાં અમેરિકાની મુલાકાત પહેલાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
સેનેટની વિદેશો સાથેના સંબંધોની કમિટીના અધ્યક્ષ સેનેટર બૉબ મેનેનડેઝ અને કૉન્ગ્રેસના સભ્ય માઇકલ વૉલ્ટ્ઝે અધિકારીઓને સવાલ કર્યો હતો કે ભારતમાં લોકોએ શા માટે ૬૦૦ દિવસ સુધી વિઝા માટે રાહ જોવી પડે છે. વૉલ્ટ્ઝે ગૃહની વિદેશો સાથેના સંબંધોની કમિટીની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે ‘અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર ૧૫૦ અબજ ડૉલર (૧૨૩૮૨.૯૫ અબજ રૂપિયા)થી વધારે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિનામાં આવી રહ્યા છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે શું કરી રહ્યા છીએ. શું તમે ભારત સંબંધી ચોક્કસ પૉલિસીનો વિચાર કર્યો છે?’ પીએમ મોદી અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણથી ૨૧થી ૨૪ જૂન દરમ્યાન અમેરિકાની મુલાકાતે જશે. તેઓ ૨૩ જૂને વૉશિંગ્ટનમાં સમગ્ર અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોના એક કાર્યક્રમને સંબોધશે. જેનો વિષય ભારતના આર્થિક વિકાસમાં વિદેશોમાં રહેતા મૂળ ભારતીયોની ભૂમિકા છે.