22 September, 2024 09:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી ગઈ કાલે ત્રણ દિવસની અમેરિકા-યાત્રા માટે પહોંચ્યા છે, ત્યારે અમેરિકામાં ભારતના રાજદૂત અને ભૂતપૂર્વ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ ભારતના વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર અમેરિકાની મુલાકાત લીધી એના એક યાદગાર પ્રસંગની જાણકારી આપી હતી. વડા પ્રધાન મોદી અને તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા વચ્ચેના આ યાદગાર પ્રસંગની જાણકારી વિનય ક્વાત્રાએ શૅર કરી હતી.
ઔપચારિક મુલાકાત બાદ વડા પ્રધાન મોદી અને પ્રેસિડન્ટ ઓબામા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના મેમોરિયલની મુલાકાતે જઈ રહ્યા હતા. એ સમયે તેઓ પ્રેસિડન્ટ ઓબામાની લિમોઝિનમાં સાથે પ્રવાસ કરી રહ્યા હતા. ૧૦થી ૧૨ મિનિટની આ ડ્રાઇવ વખતે પ્રેસિડન્ટ ઓબામાએ મોદીને તેમના પરિવાર વિશે જાણકારી પૂછી હતી. ઓબામાએ મોદીને તેમની માતા વિશે પૂછ્યું હતું. એ સમયે ભાવુક વડા પ્રધાન મોદીએ નિખાલસ ટિપ્પણી સાથે જવાબ આપતાં ઓબામાને કહ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ઓબામા, તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પણ તમારી આ કારની જેટલી સાઇઝ છે એવડું જ મારી મમ્મીનું ઘર છે.’
આ પ્રસંગને ટાંકીને ક્વાત્રાએ નોંધ્યું હતું કે ‘એ સમયે પ્રેસિડન્ટ ઓબામા અવાચક થઈ ગયા હતા. તેમને લાગ્યું કે એક ઘર કરતાં મોટી સાઇઝની લિમોઝિનમાં તેઓ પ્રવાસ કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીની શરૂઆત અને સંઘર્ષ તથા તેમના સરળ સ્વભાવની ઓબામાએ નોંધ લીધી હતી.’
ભારતીય રાજદૂતે નોંધ્યું હતું કે ‘આ નિખાલસ વાતચીતથી બેઉ નેતાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો પ્રસ્થાપિત થયા હતા, કારણ કે બેઉ નેતાઓના જીવનનો પ્રારંભનો સમય સાધારણ અને સંઘર્ષમય રહ્યો હતો છતાં તેઓ તેમના રાષ્ટ્રનું નેતૃત્વ કરવા સુધી પહોંચ્યા હતા.’
નરેન્દ્ર મોદી પહોંચ્યા અમેરિકા
ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે રવાના થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સમય મુજબ ગઈ કાલે સવારે ફિલાડેલ્ફિયા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ ડેલાવેરની ડ્યુ પૉન્ટ હોટેલમાં પહોંચ્યા હતા જ્યાં ભારતીય સમુદાયે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમનું સ્વાગત કર્યું હતું. એક ગ્રુપે ખાસ ગરબા પ્રસ્તુત કર્યા હતા. તેઓ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને મળશે. ત્યાર બાદ ક્વૉડની બેઠકમાં હાજરી આપશે.
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પરના બે અટૅક પછી નરેન્દ્ર મોદીની સિક્યૉરિટીમાં વધારો
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મૅચ જ્યાં થઈ હતી એ નાસાઉ કાઉન્ટીમાં આજે વડા પ્રધાન ભારતીયોને સંબોધશે
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર બે હુમલાના પગલે અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા-વ્યવસ્થા વધારે મજબૂત બનાવવામાં આવી છે. ટ્રમ્પ પર જુલાઈ મહિનામાં અને થોડા દિવસ પહેલાં ગોળીઓ છોડવામાં આવી હતી આથી અમેરિકાની સીક્રેટ-સર્વિસ અને ભારતના સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા ગયા ૧૫ દિવસમાં સલામતીની વ્યવસ્થા વિશે વારંવાર વાતચીતનો દોર ચાલુ રહ્યો હતો. અમેરિકામાં ખાલિસ્તાનતરફી જૂથો પણ સક્રિય છે એટલે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ક્વૉડ દેશોના ચાર નેતાઓનું શિખર-સંમેલન ડેલાવેરની હાઈ સ્કૂલ આર્કિમેર ઍકૅડેમીમાં યોજાયું છે જ્યાં જો બાઇડન ભણતા હતા. જો બાઇડન, નરેન્દ્ર મોદી, જપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝ આ શિખર-સંમેલનમાં ભાગ લેશે. આ સ્કૂલને સીક્રેટ-સર્વિસ એજન્ટોએ ઘેરી લીધી છે અને આ ઇવેન્ટમાં કોઈ પણ બીજા લોકોને પ્રવેશ અપાશે નહીં. કોઈ સ્ટુડન્ટને પણ પ્રવેશ નહીં હોય અને એમાં લોકોના પ્રવેશને પણ વર્જિત કરાયો છે. ત્યાર બાદ ૨૨ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી ન્યુ યૉર્ક જશે જ્યાં નાસાઉ કાઉન્ટીમાં તેઓ ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ ઇવેન્ટમાં ૨૦,૦૦૦ ભારતીય ભાગ લે એવી ધારણા છે. આ ઇવેન્ટમાં લોકોની સઘન ચકાસણી બાદ જ તેમને એન્ટ્રી અપાશે. ન્યુ યૉર્ક શહેરમાં ૨૩ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી સમિટ ઑફ ધ ફ્યુચરમાં ભાગ લેશે. વર્ષના આ સમયગાળામાં યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલીની બેઠક યોજાતી હોવાથી સુરક્ષા-વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. મોદી ૨૪ સપ્ટેમ્બરે ભારત પાછા ફરશે.