02 December, 2023 12:16 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
ન્યુ યૉર્ક ઃ ચીનમાં બાળકોમાં મોટા પ્રમાણમાં શ્વાસોશ્વાસ સંબંધિત બીમારી જોવા મળી રહી છે. ચીન બાદ હવે ડેન્માર્ક, અમેરિકા અને નેધરલૅન્ડ્સમાં પણ બાળકોમાં બૅક્ટેરિયલ ન્યુમોનિયાના નવા વેરિઅન્ટના મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે. આ વેરિઅન્ટનું નામ વાઇટ લંગ સિન્ડ્રૉમ આપવામાં આવ્યું છે. આ બીમારી મુખ્યત્વે ત્રણથી આઠ વર્ષનાં બાળકોને અસર કરી રહી છે. આ બૅક્ટેરિયલ ન્યુમોનિયાના પેશન્ટ્સના મેડિકલ સ્કૅનમાં જે રીતે ફેફસાંને નુકસાન થયેલું જોવા મળ્યું છે એના પરથી આ વેરિઅન્ટનું નામ વાઇટ લંગ સિન્ડ્રૉમ ન્યુમોનિયા રાખવામાં આવ્યું છે. બૅક્ટેરિયલ ઇન્ફેક્શન માયકોપ્લાઝમા ન્યુમોનિયાને કારણે આ બીમારી થાય છે. આ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે અનેક ઍન્ટિબાયોટિક્સ ફાઇટ આપી શકતી નથી.
ડેન્માર્કમાં કોરોનાની શરૂઆત જેવી જ સ્થિતિ અત્યારે આ રહસ્યમય ન્યુમોનિયાની બીમારીને કારણે જોવા મળી રહી છે. નેધરલૅન્ડ્સમાં પણ બાળકોમાં આ ન્યુમોનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સ્વીડનને પણ અસર થઈ રહી છે. કફ, છીંક, વાતચીત અને શ્વાસોશ્વાસ મારફત આ બીમારી ફેલાઈ રહી છે.
અમેરિકાના રાજ્ય ઓહાયોના અનેક વિસ્તારોમાં પણ રહસ્યમય રીતે આ બીમારી જોવા મળી રહી છે. ખાસ કરીને હૉસ્પિટલમાં ઍડ્મિટ થનારાં બાળકોનું પ્રમાણ વધ્યું છે.
યુએસ ન્યુઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટના એક રિપોર્ટ અનુસાર સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને જાહેર કર્યું છે કે તેઓ ચીનના સંપર્કમાં છે અને સંકેત આપ્યા છે કે રિસન્ટલી આ દેશમાં શ્વાસોશ્વાસની બીમારીના કેસમાં વધારો થયો છે એને માટે કોઈ નવો જીવાણુ જવાબદાર નથી.