23 November, 2022 11:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાનું એક રહસ્યમય સ્પેસક્રાફ્ટ
વૉશિંગ્ટનઃ અમેરિકાનું એક રહસ્યમય સ્પેસક્રાફ્ટ ૯૦૮ દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પર પાછું ફર્યું છે. આ સ્પેસક્રાફ્ટ યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ ફોર્સ દ્વારા ઑપરેટ કરવામાં આવી રહ્યું છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે અવકાશમાં આ યાન આખરે શું કરી રહ્યું હતું? યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ ફોર્સ એ અમેરિકન આર્મ્ડ ફોર્સિસની સ્પેસ સર્વિસ બ્રાન્ચ છે.
૧૨મી નવેમ્બરે સ્થાનિક સમય અનુસાર સવારે સાડાપાંચ વાગ્યે સ્પેસક્રાફ્ટ એક્સ-37બી નાસાના કૅનેડી સ્પેસ સ્ટેશન પર લૅન્ડ થયું હતું, જેમાં કોઈ અવકાશયાત્રી નહોતો. ૨૦૧૦માં આ સ્પેસક્રાફ્ટે પહેલી વખત ઉડાન ભરી હતી. આ એનું છઠ્ઠું મિશન હતું, જે અત્યાર સુધી સૌથી વધુ સમયગાળાનું રહ્યું.
આ વિક્રમજનક સ્પેસક્રાફ્ટ વિશે વધારે જાણકારી જાહેર કરાઈ નથી. જોકે અધિકારીઓએ દાવો કર્યો હતો કે એ પૃથ્વીથી લગભગ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ અનેક સાયન્ટિફિક પ્રયોગો કરી રહ્યું હતું. અમેરિકન સેના દ્વારા ઉપયોગ પહેલાં એક્સ-37બીને બોઇંગ કંપનીએ નાસા માટે તૈયાર કર્યું હતું.
એક્સ-37બી પ્રોગ્રામના ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ જોસેફ ફ્રિસ્શએને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આ સ્પેસક્રાફ્ટ પ્રયોગની મર્યાદાઓને આગળ વધારી રહ્યું છે. ભ્રમણકક્ષામાં એમાં કેટલાક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને એને જમીન પર ઍનૅલિસિસ માટે સુરક્ષિત પાછું લાવવામાં આવ્યું છે. એટલે એ સ્પેસક્રાફ્ટ ઍરફોર્સ અને સાયન્ટિફિક કમ્યુનિટી બન્ને માટે મૂલ્યવાન પુરવાર થયું છે.
આ સ્પેસક્રાફ્ટમાં નેવલ રિસર્ચ લૅબોરેટરીને સંબંધિત પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ અમેરિકન ઍરફોર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા અને ઇલેક્ટ્રોમૅગ્નેટિક એનર્જીથી સંચાલિત એક ટ્રેનિંગ સૅટેલાઇટને પણ ભ્રમણકક્ષામાં તહેનાત કરાયો હતો. એ સિવાય અમેરિકન આર્મ્ડ ફોર્સિસ માટે કેવા પ્રકારના એક્સપરિમેન્ટ્સ કરવામાં આવ્યા હતા એના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. વ્યાપકપણે માનવામાં આવી રહ્યું છે કે આ મિશન બાબત અમેરિકન એજન્સીઓ ઘણું છુપાવી રહી છે.