Myanmar:સેનાનો નાગરિકોની ભીડ પર બોમ્બમારો, બાળકો સહિત 100થી વધુ લોકો માર્યા ગયા

12 April, 2023 09:35 AM IST  |  Myanmar | Gujarati Mid-day Online Correspondent

મ્યાનમારની સેના (Myanmar Military Attack)એ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા છે.

પ્રતિકાત્મક તસવીર

મ્યાનમારની સેના (Myanmar Military Attack)એ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા છે. તે જ સમયે, કેટલાક મીડિયા અહેવાલોમાં 100 થી વધુ લોકો માર્યા ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન લશ્કરી શાસનના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તેમાં સામાન્ય લોકો પણ હાજર હતા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, મ્યાનમારની સેનાએ એક ગામ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.

સંયુક્ત રાષ્ટ્રએ નાગરિકો પર મ્યાનમારના લશ્કરી હવાઈ હુમલાની નિંદા કરી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે એક નિવેદન જારી કરીને કહ્યું કે હવાઈ હુમલાના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પીડિતોમાં કાર્યક્રમમાં નૃત્ય કરતા શાળાના બાળકો અને ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા અન્ય નાગરિકોનો સમાવેશ થતો હોવાનું જણાય છે, જેના પર લશ્કરી હેલિકોપ્ટર દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

મૃતકોમાં લશ્કરી શાસન વિરોધી સશસ્ત્ર જૂથોના નેતાઓ પણ સામેલ હતા.
સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું કે, હવાઈ હુમલામાં લશ્કરી શાસન વિરોધી જૂથ નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (એનયુજી) ની ઓફિસ નષ્ટ થઈ ગઈ. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ સમયે મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં સશસ્ત્ર જૂથોના નેતાઓ અને લશ્કરી શાસનનો વિરોધ કરતા અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અદ્દભૂત તસ્વીરો : મ્યાનમારનો થિંગયાન વૉટર ફેસ્ટીવલ

લશ્કરી બળવા પછી 3000 થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને દેશની સત્તા સંભાળી હતી. ત્યારથી દેશમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શનોને ડામવા માટે સેના લોકો પર બળપ્રયોગ કરી રહી છે. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 3,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.

world news international news myanmar