20 January, 2025 02:55 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પે શપથવિધિ પહેલાં રાખેલા ડિનરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાજર રહ્યાં હતાં.
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ આજે શપથગ્રહણ કરવાના છે એના પહેલાં ગઈ કાલે રાતે વૉશિંગ્ટનમાં ડોનલ્ડ ટ્રમ્પે કૅન્ડલ લાઇટ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણી ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યાં હતાં અને તસવીર ખેંચાવી હતી. મુકેશ અંબાણીએ બ્લૅક સૂટ પહેર્યો હતો અને નીતા અંબાણીએ પણ બ્લૅક સાડી અને ઓવરકોટ પહેર્યો હતો. તેમણે ગળામાં એમરલ્ડ્સની માળા પહેરી હતી.
દુનિયાના ધનાઢ્યો પૈકી એક એવા મુકેશ અને નીતા અંબાણીને શપથગ્રહણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શપથગ્રહણ સમારોહ બાદ ફેસબુકની પેરન્ટ કંપની મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર માર્ક ઝકરબર્ગે ડિનર રાખ્યું છે, જેમાં પણ આ દંપતી ઉપસ્થિત રહેવાનું હતું. શપથગ્રહણ સમારોહમાં પણ મુકેશ અંબાણીને ડાયસ પર મહત્ત્વનું સ્થાન આપવામાં આવે એવી શક્યતા છે.