મૉરોક્કોમાં ભૂકંપ પછી હવે ભૂખથી પીડાય છે લોકો

11 September, 2023 10:25 AM IST  |  Moulay Brahim | Gujarati Mid-day Correspondent

મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૦૦૦ કરતાં વધુ જણાવાઈ, હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાના કારણે આ સંખ્યા ખાસ્સી વધી શકે

મૉરોક્કોના મોલય બ્રાહિમ ગામમાં ભૂકંપમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓને દફનાવવાની તૈયારી કરી રહેલા લોકો

મૉરોક્કોમાં છેલ્લા છ દશકમાં સૌથી વિનાશકારી ભૂકંપ બાદ ગઈ કાલે લોકોએ અન્ન અને પાણી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. અનેક ગામો સુધી પહોંચવું મુશ્કેલ હતું. મિસિંગ વ્યક્તિઓ માટે સતત શોધ ચાલી રહી હતી. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૦૦૦ કરતાં વધુ જણાવાઈ છે. જોકે હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થવાની શક્યતા છે.

અનેક લોકોએ સળંગ બીજી રાત ખુલ્લામાં વિતાવી હતી. પર્વતીય વિસ્તારોમાં રહેલાં ગામોને સૌથી વધુ અસર થઈ છે, ત્યાં સુધી પહોંચવા બચાવકાર્યકરો સંઘર્ષ કરી રહ્યા છે. અહીં અનેક અંતરિયાળ વિસ્તારોમાં રહે છે જ્યાં અનેક મકાનો ધ્વસ્ત થયાં છે.

મૉરોક્કોના મીડિયા અનુસાર આ દેશના સાંસ્કૃતિક વારસા સમાન ઐતિહાસિક રીતે મહત્ત્વની ૧૨મી સદીની એક મસ્જિદ પણ તૂટી ગઈ હતી. આ ભૂકંપના કારણે મારાકેશ સિટીને પણ નુકસાન થયું છે.

મૉરોક્કોના તફેઘહટેમાં મૃતદેહને લઈને જતા આર્મીના જવાનો

મોલય બ્રાહિમના ૨૬ વર્ષના યાસિન નૂમઘરે જણાવ્યું હતું કે ‘અમે અમારાં મકાન ગુમાવ્યાં છે, અમારા લોકો ગુમાવ્યા છે. બે દિવસથી ખુલ્લામાં સૂઈ રહ્યા છીએ. પાણી અને ભોજનની અછત છે અને સરકાર તરફથી ખાસ સહાય મળી નથી.’

આ ​એરિયામાં મોટા ભાગનાં ઘરો લાકડા અને માટીનાં બનેલાં હતાં, જેના લીધે એ સહેલાઈથી આ ભૂકંપમાં તૂટી ગયાં હતાં, જે ૧૯૬૦ પછી મૉરોક્કોનો સૌથી વિનાશકારી ભૂકંપ હતો. ૧૯૬૦માં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૨,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.

ટર્કી અને ફ્રાન્સ સહિત અનેક દેશો મૉરોક્કોની મદદે આવ્યા છે. ટર્કીમાં ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપમાં ૫૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોનાં મોત થયાં હતાં. 

આ ભૂકંપમાં કોઈ ભારતીયને અસર થઈ હોવાના રિપોર્ટ‍્સ નથી

રબાતમાં ભારતીય એમ્બેસીએ જણાવ્યું હતું કે મૉરોક્કોમાં ભૂકંપના કારણે કોઈ ભારતીય નાગરિકને અસર થઈ હોવાના હજી સુધી કોઈ રિપોર્ટ નથી. આ દેશમાં રહેતા તમામ ભારતીયોને લોકલ ઑથોરિટીઝ દ્વારા પૂરી પાડવામાં આવતી ગાઇડલાઇન્સને અનુસરવાની સલાહ આપવામાં આવી છે.

morocco earthquake international news