બંગલાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ લઘુમતી કોમ પર ૨૦૫થી વધુ હુમલા

11 August, 2024 10:38 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

આશરે ૨૦૫ હુમલા કરવામાં આવ્યા હોવાની જાણકારી હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

શેખ હસીના

બંગલાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ દેશના બાવન જિલ્લાઓમાં લઘુમતી કોમ પર આશરે ૨૦૫ હુમલા કરવામાં આવ્યા હોવાની જાણકારી હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

વચગાળાની સરકારના ૮૪ વર્ષના વડા ડૉ. મોહમ્મદ યુનુસને મોકલેલા ખુલ્લા પત્રમાં બંગલાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિ​શ્ચિયન યુનિટી કાઉન્સિલના મહામંત્રી રામા દાસગુપ્તા અને બંગલાદેશ પૂજા ઉધાપન પરિષદના પ્રમુખ વાસુદેવ ધરે હસ્તાક્ષર કર્યા છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે !સોમવારે શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ દેશના બાવન જિલ્લામાં ૨૦૫થી વધારે હુમલા લઘુમતી કોમના સભ્યો પર કરવામાં આવ્યા છે. અમારા જીવ જોખમમાં છે અને અમને સરકાર તરફથી સંરક્ષણની ખાતરી જોઈએ છે. અમે આખી રાત જાગીએ છીએ અને અમારાં ઘર, મંદિરોનું ધ્યાન રાખીએ છીએ. અમે અમારા જીવનમાં આવું કંઈ જોયું નથી. સરકાર દેશમાં કોમી એખલાસની ભાવના પુનર્સ્થાપિત કરે એવી અમે માગણી કરીએ છીએ. લોકોનો વિજય જ્યારે એની મંઝિલ તરફ જઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો લઘુમતી કોમની સામે હિંસાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. વધતા જતા હિંસાના માહોલને કારણે અમારા લોકો સતત ડર અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. પરિસ્થિતિ જલદી થાળે પડે એવી વ્યવસ્થા સરકાર ઊભી કરે એવી અમારી માગણી છે. જે લોકોએ લઘુમતી સમાજ પર હુમલા કર્યા છે એવાં જવાબદાર તત્ત્વોને સજા કરવામાં આવે. રાજકીય કારણોસર લઘુમતી કોમ પર હુમલો અસ્વીકાર્ય છે. જે લોકો ગુનો કરે તેને સજા થવી જોઈએ. લોકોનાં ઘરોમાં લૂંટફાટ કરવી અને એને સળગાવી દેવાં એનાથી ન્યાય નહીં મળે. લઘુમતી સમાજના લોકો હવે બીજાના ઘરે આશ્રય લઈ રહ્યા છે.

sheikh hasina bangladesh world news international news