28 June, 2024 06:04 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક
ઇલૉન મસ્ક એ હસ્તીઓ પૈકીના એક છે જેઓ તેમની પ્રોફેશનલ લાઇફ ઉપરાંત પર્સનલ લાઇફને લીધે પણ સતત ચર્ચામાં રહે છે. હાલમાં તેઓ ૧૨મા બાળકના પિતા બન્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઇલૉન મસ્ક અને ન્યુરાલિન્કના સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ-હેડ શિવોન ઝિલિસને જાન્યુઆરીમાં ત્રીજું બાળક આવ્યું હતું જેના વિશે તાજેતરમાં ખુલાસો થયો હતો. છેલ્લા બે દાયકામાં મસ્કને ત્રણ મહિલાઓ સાથે કુલ ૧૨ બાળકો છે.
ઇલૉન મસ્કની ભૂતપૂર્વ પત્ની જસ્ટિન વિલ્સનથી ૨૦૦૨માં પહેલા બાળકનો જન્મ થયો હતો, જેનું નામ નેવાડા ઍલેક્ઝાન્ડર મસ્ક હતું. આ બાળક જન્મનાં ૧૦ અઠવાડિયાં બાદ ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રૉમને કારણે મૃત્યુ પામ્યું હતું. એ પછી ૨૦૦૪માં જસ્ટિને IVFથી ગ્રિફિન અને વિવિયનને જન્મ આપ્યો હતો. વિવિયને ૧૬ વર્ષની ઉંમરે તેણે પોતાને ટ્રાન્સજેન્ડર જાહેર કરી હતી. ૧૮ વર્ષની ઉંમરે મસ્ક સરનેમનો ત્યાગ કર્યો હતો અને પછી લિંગપરિવર્તન કરાવીને નામ વિવિયન જીના વિલ્સન કર્યું હતું. મસ્ક અને જસ્ટિન વિલ્સને ૨૦૦૬માં ત્રણ બાળકોને IVF પદ્ધતિથી જન્મ આપ્યો હતો. આ બાળકોનાં નામ કાઇ મસ્ક, સેક્સન મસ્ક અને દામિયન મસ્ક છે.
ઇલૉન મસ્કને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને કૅનેડિયન સિંગર ક્લેર બુશે (ગ્રીમ્સ)થી ત્રણ બાળકો છે. મે ૨૦૨૨માં જન્મેલું એક બાળક તેના નામને કારણે ચર્ચામાં આવ્યું હતું. આ બાળકનું નામ વિચિત્ર છે જે X તરીકે ઓળખાય છે. તેમનું બીજું બાળક દીકરી એક્ઝા ડાર્ક સાઇડેરલ મસ્કનો જન્મ ૨૦૨૧માં સરોગસીથી થયો હતો. તેનું હુલામણું નામ Y અથવા Why છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં ગ્રીમ્સ અને ઇલૉનના ત્રીજા બાળક ટેક્નૉ મેકૅનિક્સ મસ્કનો જન્મ થયો હતો. તેમને સરોગસીથી બીજું બાળક આવ્યું એ પહેલાં મસ્ક અને શિવોન ઝિલિસે ટ્વિન્સ- સ્ટ્રાઇડર અને અઝુરને જન્મ આપ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ઇલૉન અને શિવોનને ત્રીજું બાળક થયું હતું.