25 November, 2024 02:20 PM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનના હુનાન પ્રાંતમાં સોનાનો ભંડાર મળી આવ્યો છે અને એમાં આશરે ૭ લાખ કરોડ રૂપિયાનું સોનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં નબળી પડેલી ચીનની ઇકૉનૉમી અને નબળા પડી રહેલા ચીનના ચલણ યુઆનને સોનાનો આ ભંડાર સહારો આપી શકે એમ છે.
આ સંદર્ભમાં ચીનના ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ ન્યુઝપેપરમાં આપવામાં આવેલા અહેવાલ મુજબ હુનાન પ્રાંતની પિંગજિયાંગ કાઉન્ટીમાં વાંગુ નામની સોનાની ખાણો છે. અહીં આશરે ૪૦થી વધારે ખાણ મળી આવી છે જે જમીનથી માત્ર ૨૦૦૦ મીટર નીચે છે. અહીં એક ટન માટીમાંથી ૧૩૮ ગ્રામ સોનું મળે છે અને એ સારી વાત ગણવામાં આવે છે. ખાણના મુખ્ય ક્ષેત્રમાં હાલમાં આશરે ૩૦૦.૨ ટન સોનાનો ભંડાર છે, પણ જે નવી ખાણોની શોધ થઈ છે એમાં આશરે ૧૦૦૦ ટન સોનું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એની કિંમત ૬૦૦ અબજ યુઆન (આશરે ૭ લાખ કરોડ રૂપિયા) છે.
૧૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ
વાંગુ ખાણના વિસ્તારમાં શોધખોળ કરવા માટે ૨૦૨૦માં ચીને આશરે ૧૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. દુનિયામાં સોનાના ભાવ થોડા સમય પહેલાં વધી ગયા હતા, પણ હવે પાછા નીચે આવી રહ્યા છે. દુનિયાભરમાં આર્થિક અનિશ્ચિતતાને પગલે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા હોવાથી આ ભંડાર ચીનને આર્થિક મોરચે લડવાની
તાકાત આપશે. ચીને મે મહિનાથી સોનાની ખરીદી બંધ કરી દીધી હતી.