નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના: 68 મુસાફરો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું

15 January, 2023 11:51 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Online Correspondent

ક્રેશ થયેલું પેસેન્જર પ્લેન રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું, 72 સીટર ATR-72 વિમાનમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર એટલે કે કુલ 72 લોકો હતા

પ્રતીકાત્મક તસવીર

નેપાળ (Nepal)માં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash in Nepal) ઘટી છે. નેપાળના મુખ્ય શહેરોમાંથી એક પોખરા (Pokhara) પાસે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાનમાં 68 મુસાફરો હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ બચાવ દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ક્રેશ થયેલું પેસેન્જર પ્લેન રાજધાની કાઠમંડુ (Kathmandu)થી પોખરા જઈ રહ્યું હતું.

મળતી માહિતી મુજબ, યેતી એરલાઈન્સનું વિમાન કાઠમંડુથી પોખરા માટે ઉડ્યું હતું. આ 72 સીટર ATR-72 વિમાનમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર એટલે કે કુલ 72 લોકો હતા. વિમાન પોખરા નજીક પહોંચ્યું હતું ત્યારે પહાડી વિસ્તારમાં તેને અકસ્માત નડ્યો હતો.

નેપાળના મીડિયા અહેવાલો અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટની વચ્ચે થયો હતો. કાઠમંડુ પોસ્ટ અનુસાર, યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી.

યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન પહાડ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. વિમાન પહાડી સાથે અથડાયા બાદ નદીમાં પડી ગયું હતું. અકસ્માત થયો હતો ત્યાંથી લાંબા સમય સુધી ધુમાડા ઊડતો નજરે પડ્યો હતો. દુર્ઘટનાના સમાચાર મળતા જ એરલાઈન્સની સાથે એરપોર્ટ ઓથોરિટી, સુરક્ષા દળો અને ડિઝાસ્ટર રિલીફ ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.

રેસ્ક્યુ ટીમ સ્થળ પર, બચાવ કાર્ય ચાલુ

પોખરા નજીક પ્લેન ક્રેશ થયાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ખરાબ હવામાન અને ભૂગોળને કારણે મુશ્કેલ એવા આ વિસ્તારમાં બચાવમાં ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: અમેરિકામાં બૅક ટુ બૅક ૩૦ ચક્રવાત, ૯ જણનાં મોત

અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે

પોખરા નજીક પ્લેન ક્રેશ થયાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર કાઢ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

international news nepal kathmandu