15 June, 2023 11:18 AM IST | London | Gujarati Mid-day Correspondent
શક્તિકાંત દાસ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચીફ શક્તિકાંત દાસને લંડનમાં સેન્ટ્રલ બૅન્કિંગ દ્વારા ૨૦૨૩ માટે ‘ગવર્નર ઑફ ધ યર’ ના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બૅન્કિંગ એક આંતરરાષ્ટ્રીય ઇકૉનૉમિક જર્નલ છે. કોવિડ જેવી મહામારી અને વૈશ્વિક ઊથલપાથલ વચ્ચે ફુગાવો કાબૂમાં રાખવા માટે અને ભારતની બૅન્કિંગ સિસ્ટમનું કુશળતાપૂર્વક સંચાલન કરવા માટે આરબીઆઇના ચીફ તરીકે તેમણે ભજવેલી ભૂમિકાનો આ શિરપાવ છે.
આયોજકોએ કહ્યું હતું કે ‘વિશ્વની અગ્રણી પેમેન્ટ ઇનોવેશન સિસ્ટમ સરખી રીતે ચાલે અને ભારત મુશ્કેલીના સમયમાં આગળ વધે એ માટે તેમણે નેતૃત્વ કર્યુ હતું. નિર્ણાયક સુધારા પાછળ પણ તેઓ જ હતા.’ માર્ચ ૨૦૨૩માં તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. તેમણે ડિસેમ્બર ૨૦૧૮માં આ પદ સંભાળ્યુ હતું. તેમની નિમણૂક થોડા મહિના પહેલાં મુખ્ય નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની (એનબીએફસી) નાદાર થઈ હતી, જેને કારણે સમસ્યાઓ સર્જાઈ હતી. એનબીએફસીને કારણે મધ્યમ કદની બૅન્કોના બિઝનેસ મૉડલમાં ખામીઓ સર્જાઈ હતી જેઓ એનબીએફસી પર નિર્ભર હતી. ત્યાર બાદ પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક જેવી કેટલીક બૅન્ક પણ પડી ભાંગી હતી. રઘુરામ રાજન બાદ આ અવૉર્ડથી સન્માનિત થનારા તેઓ બીજા
સેન્ટ્રલ બૅન્ક ગવર્નર છે. રઘુરામ રાજનને ૨૦૧૫માં આ ખિતાબ મળ્યો હતો.