14 January, 2023 08:48 AM IST | washington | Gujarati Mid-day Correspondent
જો બાઈડન
વૉશિંગ્ટન ઃ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન છેલ્લા કેટલાક સમયથી ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની જે આરોપોના લીધે ટીકા કરતા રહ્યા છે, હવે એવા જ આરોપો તેમની વિરુદ્ધ પણ મૂકવામાં આવ્યા છે. બાઇડનનાં ઘરે અને ઑફિસમાં સીક્રેટ ડૉક્યુમેન્ટ્સને ખોટી રીતે રાખી મૂકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, અમેરિકન ઍટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે આ આરોપની તપાસ કરવા માટે ગુરુવારે એક સ્પેશ્યલ અધિકારીની નિમણૂક પણ કરી હતી. ટ્રમ્પની વિરુદ્ધ આવા જ આરોપસર તપાસ ચાલી રહી છે.
નોંધપાત્ર છે કે સીક્રેટ ડૉક્યુમેન્ટ્સને ખોટી રીતે રાખવા બદલ બાઇડન ટ્રમ્પની ટીકા કરતા રહ્યા છે. જોકે હવે તેમની વિરુદ્ધની તપાસના લીધે તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.
ગાર્લેન્ડે જણાવ્યું હતું કે ટ્રમ્પના કાર્યકાળમાં મૅરિલૅન્ડમાં ટોચના ફેડરલ પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવનારા રૉબર્ટ હુર નક્કી કરશે કે બાઇડન વાઇસ પ્રેસિડન્ટ હતા એ સમયે ડેલાવેરમાં તેમના નિવાસસ્થાને અને વૉશિંગ્ટનમાં એક ઑફિસમાં સીક્રેટ ડૉક્યુમેન્ટ્સને અયોગ્ય રીતે રાખવામાં આવ્યા હતા કે નહીં.
વાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઇડનના ઘરે, ગૅરેજમાં અને એની બાજુના રૂમમાં કેટલાક ડૉક્યુમેન્ટ્સ મળ્યા હતા.
વાઇટ હાઉસના લૉયર રિચર્ડ સૌબેરે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ તપાસ બાદ બહાર આવશે કે આ ડૉક્યુમેન્ટ્સ અજાણતા જ ખોટી જગ્યાએ મુકાઈ ગયા હતા અને પ્રેસિડન્ટ અને તેમના લૉયર્સને આવી ભૂલ થઈ હોવાનો ખ્યાલ આવતાં જ તેમણે એના પર તાત્કાલિક ઍક્શન લીધી હતી.’
ગુરુવારે મીડિયાએ જ્યારે પ્રેસિડન્ટને એના વિશે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ ડૉક્યુમેન્ટ્સ જાહેરમાં પડ્યા નહોતા. લોકો જાણે છે કે હું સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ અને સીક્રેટ મટીરિયલ્સને ખૂબ જ ગંભીરતાથી લઉં છું.’
બીજી તરફ રિપબ્લિકન સંસદસભ્યોએ બાઇડનનાં ઘરોની વિઝિટર લૉગ્ઝ જોવાની ડિમાન્ડ કરી છે. તેમણે દલીલ કરી છે કે સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ તેમના એક ઘરમાં જોવા મળ્યા છે એ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો મુદ્દો છે.