13 November, 2024 12:32 PM IST | London | Gujarati Mid-day Correspondent
દુનિયાના શૉર્ટેસ્ટ સ્ટન્ટમૅન કિરણ જેઠાલાલ શાહને ગઈ કાલે મેમ્બર ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા આપવામાં આવ્યો હતો. ઇંગ્લૅન્ડના વિન્ડસર કૅસલમાં આ સેરેમની બાદ પોઝ આપી રહેલા કિરણ શાહ.
દુનિયાના શૉર્ટેસ્ટ સ્ટન્ટમૅન તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન ધરાવતા ગુજરાતી ઍક્ટર, સ્ટન્ટમૅન અને બૉડી-ડબલ કિરણ જેઠાલાલ શાહને મેમ્બર ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા આપવામાં આવ્યો હતો. ઇંગ્લૅન્ડના વિન્ડસરમાં વિન્ડસર કૅસલમાં ગઈ કાલે મંગળવારે આ ખિતાબ એનાયત કરાયો હતો. આ ખિતાબ જુદા-જુદા ક્ષેત્રની વ્યક્તિઓને તેમની સિદ્ધિ બદલ આપવામાં આવે છે.
કિરણ જેઠાલાલ શાહે ૩૧ ફિલ્મોમાં ઍક્ટર તરીકે કામ કર્યું છે અને આશરે ૩૭ ફિલ્મોમાં સ્ટન્ટમૅન કે બૉડી-ડબલ તરીકે કામ કર્યું છે.
બ્રિટિશ ઍક્ટર કિરણ જેઠાલાલ શાહનો જન્મ ૧૯૫૬ની ૨૮ સપ્ટેમ્બરે કેન્યાના નાઇરોબી શહેરમાં ગુજરાતી પરિવારમાં થયો હતો અને તેઓ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. અહીં તેમને ફિલ્મોમાં રસ જાગ્યો અને જ્યારે તેમનો પરિવાર બ્રિટન સ્થાયી થયો ત્યારે તેમણે શો-બિઝનેસમાં કરીઅર બનાવવાનો નિર્ણય લીધો હતો. ૧૯૭૭માં તેમની પહેલી ફિલ્મ ‘કૅન્ડલશૂ’ આવી હતી. સ્ટન્ટ-કોઑર્ડિનેટર બૉબ ઍન્ડરસને તેમને સ્ટન્ટ કરવાની પણ સલાહ આપી હતી અને તેમણે સ્ટન્ટ આપવાનું શરૂ કર્યું હતું. ‘ધ હૉબિટ’ સિરીઝની ત્રણેય ફિલ્મમાં તેમણે કામ કર્યું છે. તેઓ કવિતા પણ લખે છે અને એ અમેરિકા અને બ્રિટનમાં પ્રકાશિત થઈ છે. સૌથી શૉર્ટ પ્રોફેશનલ સ્ટન્ટમૅન તરીકે તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ઑક્ટોબર ૨૦૦૩માં સામેલ થયું હતું.