જેલમાંથી છૂટ્યા બાદ ખાલેદા ઝિયાએ તોફાની સ્ટુડન્ટ્સને બહાદુર બાળકો ગણાવ્યાં, કહ્યું...

08 August, 2024 07:41 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ખાલેદા ઝિયાને ૨૦૧૮માં ભ્રષ્ટાચાર માટે દોષી ઠેરવવામાં આવ્યાં હતાં અને ૧૭ વર્ષની જેલ થઈ હતી.

ગઈ કાલે ઢાકામાં આયોજિત એક રૅલીમાં ભેગા થયેલા ખાલેદા ઝિયાની બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટીના કાર્યકરો.

બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ જેલમાંથી છૂટેલાં અને હાલમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાએ દેશમાં અરાજકતા અને તોફાન મચાવનારા સ્ટુડન્ટ્સને બહાદુર બાળકો કહીને નવાજ્યાં હતાં અને કહ્યું હતું કે આ બહાદુર બાળકોએ અસંભવને સંભવ બનાવી દીધું છે.

બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાએ હૉસ્પિટલના પલંગ પરથી વિડિયો મેસેજમાં લોકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે ‘આપણાં બહાદુર બાળકોના પ્રયાસોથી દેશ આઝાદ થયો છે. મારા સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા માટે પ્રાર્થના કરનારા લોકોનો પણ હું આભાર માનું છું. આ જીત આપણને એક નવી શરૂઆત તરફ લઈ આવી છે. આપણે લોકશાહીના લાંબા સમયથી પડેલા ભંગાર અને ભ્રષ્ટાચારના ઢગલામાંથી એક નવો દેશ, સમૃદ્ધ બંગલાદેશ બનાવવાનો છે. વિદ્યાર્થીઓ, યુવાનો આપણું ભવિષ્ય છે. અમે તેમનાં સપનાં સાકાર કરીશું, તેમણે દેશને આઝાદ બનાવવા માટે લોહી રેડ્યું છે.’

બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટીનાં વડાં એવા બે વખતનાં વડાં પ્રધાન ખાલેદા ઝિયાની જેલમુક્તિનો આદેશ શેખ હસીનાની હકાલપટ્ટીના કલાકો પછી આપવામાં આવ્યો હતો. ખાલેદા ઝિયાને ૨૦૧૮માં ભ્રષ્ટાચાર માટે દોષી ઠેરવવામાં આવ્યાં હતાં અને ૧૭ વર્ષની જેલ થઈ હતી. નાદુરસ્ત તબિયતને કારણે તે આ સમયગાળામાં મોટા ભાગે હૉસ્પિટલમાં રહ્યાં હતાં.

સાઉદી અરેબિયા કે ફિનલૅન્ડ જશે શેખ હસીના

બ્રિટન અને અમેરિકાએ રાજકીય આશ્રય આપવાની ના પાડી દીધા બાદ શેખ હસીના હવે રાજકીય આશ્રય માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ, સાઉદી અરેબિયા કે ફિનલૅન્ડ જઈ શકે છે. જોકે હાલમાં તેઓ ભારતમાં જ રહેશે.

54,000 - બંગલાદેશમાં છેલ્લા ૧૫ દિવસની હિંસામાં આટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જે બંગલાદેશના ચલણમાં 75,000 કરોડ થવા જાય છે.

international news bangladesh world news sheikh hasina great britain united states of america