21 December, 2024 02:33 PM IST | Kazan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રશિયા (Russia)ના કઝાન (Kazan) શહેરમાં 9/11 જેવો હુમલો થયો હતો. કઝાનમાં ત્રણ મોટી ઈમારતો પર ડ્રોન હુમલો (Kazan Drone Attack) થયો. ડ્રોન ઈમારતોને અથડાતા હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના કારણે રશિયામાં ખળભળાટ મચી ગયો છે.
કઝાનમાં ત્રણ મોટી ઈમારતો પર ડ્રોન હુમલો થયા બાદ કઝાન એરપોર્ટ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના આગમન અને પ્રસ્થાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયાના એવિએશન વોચડોગ રોસાવિયેતસિયા (Rosaviatsiya)એ શનિવારે ટેલિગ્રામ મેસેજિંગ એપ દ્વારા જણાવ્યું હતું કે, શહેર પર યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
રશિયન રાજ્ય સમાચાર એજન્સી TASSએ મોસ્કોથી લગભગ ૮૦૦ કિમી પૂર્વમાં સ્થિત શહેર કઝાનમાં રહેણાંક સંકુલ પર ડ્રોન હુમલાની જાણ કરી. એજન્સીએ જણાવ્યું કે, રહેણાંકની ઊંચી ઇમારતો પર આઠ ડ્રોન હુમલા થયા છે. એજન્સીઓએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી.
અહેવાલો અનુસાર, હુમલા દરમિયાન કમાલીએવ એવન્યુ, ક્લેરા ઝેટકીન, યુકોઝિન્સકાયા, હાદી તાક્તાશ, ક્રસ્નાયા પોસિટીયા અને ઓરેનબર્ગસ્કી ટ્રેક્ટ શેરીઓ પરની ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી.
રિપબ્લિક ચીફ રુસ્તમ મિન્નીખાનોવ (Rustam Minnikhanov)એ જણાવ્યું હતું કે, કઝાનમાં રહેણાંક મકાન પર થયેલા હુમલામાં મૃત્યુ કે ઈજાના કોઈ અહેવાલ નથી. કઝાન એ રશિયાનું આઠમું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.
કઝાન શહેરમાં આગામી બે દિવસ માટે તમામ મુખ્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર આવું કરવામાં આવ્યું છે. રશિયાના આ શહેરને સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે.
રશિયાની સુરક્ષા સેવાઓ સાથે જોડાયેલી બાજા ટેલિગ્રામ ચેનલે એક વણચકાસાયેલ વિડિયો ફૂટેજ પણ બહાર પાડ્યું છે. આમાં એક ડ્રોન એક ઊંચી ઈમારત સાથે અથડાતું જોવા મળે છે. ડ્રોન અથડાતાંની સાથે જ એક વિશાળ અગનગોળો સર્જાય છે અને બિલ્ડિંગને નુકસાન થતું જોવા મળે છે. અહેવાલો કહે છે કે, આઠ ઈમારતોને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ માત્ર ત્રણ ઈમારતોમાં વિસ્ફોટ થયો હતો. રિપોર્ટ અનુસાર કઝાન શહેર પર હજુ પણ હુમલાનો ભય છે.
હુમલા બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે, તેની પાછળ યુક્રેનનો હાથ છે. રશિયાએ કહ્યું કે, યુક્રેને આ મોટી ભૂલ કરી છે.
નોંધનીય છે કે, રશિયન શહેર કઝાન ૨૦૨૪ બ્રિક્સ સમિટ (BRICS summit)ની યજમાની માટે સમાચારમાં છે. તેને રશિયાની ત્રીજી રાજધાની પણ કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં અહીં ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) યોજાયો હતો. ભારત (India) પણ અહીં પોતાનું દૂતાવાસ ખોલવા જઈ રહ્યું છે. રશિયામાં કઝાન શહેર યુક્રેન (Ukraine)ના કિવ (Kyiv)થી લગભગ ૧૪૦૦ કિલોમીટર દૂર છે.
તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેન સામે સૈન્ય અભિયાન શરૂ કર્યું અને તેના ઘણા શહેરોને નષ્ટ કર્યા.