ઇઝરાયલ પર થયેલા હુમલાને અંજામ આપનાર હમાસના મિલિટરી ચીફને પણ પતાવી દેવાયો

02 August, 2024 08:14 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષના ઑક્ટોબરમાં ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલાના પ્લાનિંગથી લઈને એને અંજામ આપવાનું કામ મોહમ્મદ ડેફે કર્યું હતું

મોહમ્મદ ડેફ

ઇઝરાયલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયા અને હિઝબુલ્લાના કમાન્ડર કુઆદ શુકરનો ખાતમો બોલાવ્યા બાદ ગઈ કાલે હમાસને વધુ એક ઝાટકો આપતી જાહેરાત કરી હતી. ઇઝરાયલની આર્મીએ કન્ફર્મ કર્યું હતું કે ગયા મહિને એણે દક્ષિણ ગાઝા સ્ટ્રિપ પર કરેલી ઍર-સ્ટ્રાઇકમાં હમાસના મિલિટરી ચીફ મોહમ્મદ ડેફનું મોત થયું હતું. એને પગલે ગાઝા સ્ટ્રિપ પર હમાસના પ્રભુત્વને ખાસ્સી અસર થશે. ૧૩ જુલાઈએ કરવામાં આવેલા આ હુમલામાં મોહમ્મદ ડેફની સાથે હમાસના ટોચના કમાન્ડર રફા સલામાનું પણ મૃત્યુ થયું હતું. આ અટૅકમાં કુલ ૯૦ જણનાં મોત થયાં હતાં. જોકે ગાઝામાં હમાસ દ્વારા ચલાવવામાં આવતા હેલ્થ-સેન્ટરે હુમલામાં મોહમ્મદ ડેફનું મૃત્યુ થયું હોવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષના ઑક્ટોબરમાં ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલાના પ્લાનિંગથી લઈને એને અંજામ આપવાનું કામ મોહમ્મદ ડેફે કર્યું હતું. આ હુમલામાં ઇઝરાયલના ૧૨૦૦ લોકોના જીવ ગયા હતા.

israel hamas palestine international news world news gaza strip