26 August, 2024 08:31 AM IST | Israel | Gujarati Mid-day Correspondent
હુમલા
લેબૅનનમાં મોજૂદ અને ઈરાન-સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે એકબીજાના વિરોધમાં હાલ ભીષણ યુદ્ધ ચાલુ છે. બન્નેએ એકબીજાને હુમલાની ધમકી આપ્યા બાદ એકબીજા સામે હુમલા શરૂ કરી દીધા હતા. ઇઝરાયલે લેબૅનનમાં મિસાઇલો વરસાવ્યાં ત્યારે એના વળતા જવાબમાં હિઝબુલ્લાએ રૉકેટ અને ડ્રોનથી હુમલા કર્યા હતા.
ઇઝરાયલ મિલિટરીએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ હુમલાની ઘોષણા કર્યા બાદ આ આતંકવાદી સંગઠનના રૉકેટોને તોડી પાડવામાં આવ્યાં હતાં. ઇઝરાયલે સાઉથ લેબૅનનમાં હિઝબુલ્લાનાં ઠેકાણાં પર મિસાઇલ-હુમલા કર્યા હતા. આ હુમલા ૧૦૦ જેટ વિમાનો દ્વારા કરવામાં આવ્યા હતા.
બીજી તરફ હિઝબુલ્લાએ પણ ઇઝરાયલના ૧૧ સેન્ય-બેઝને નિશાન બનાવીને ડ્રોનથી હુમલા કર્યા હતા અને ૩૨૦થી વધારે કત્યૂષા રૉકેટ છોડ્યાં હતાં. પૅલેસ્ટીને ઇઝરાયલ પર ગયા ઑક્ટોબર મહિનામાં હુમલો કર્યા બાદ છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં આ સૌથી મોટા હુમલા છે. ઇઝરાયલના હુમલામાં લેબૅનનમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. ઇઝરાયલે આવી કોઈ જાણકારી આપી નથી.