ઇઝરાયલે હુમલામાં સામેલ હમાસના ટોચના બે લીડર્સને વીણી-વીણીને માર્યા

15 October, 2023 11:09 AM IST  |  israel | Gujarati Mid-day Correspondent

નુખબા યુનિટના કંપની કમાન્ડર અલી કાઢી અને હમાસના એરિયલ ફોર્સિસનો હેડ અબુ મુરાદને ઠાર મરાયા

ઇઝરાયલની સિટી અશ્કેલોન પાસે ગઈ કાલે ટૅન્ક્સ અને અન્ય આર્મર્ડ વેહિકલ્સમાં ઇઝરાયલના ફોર્સિસ. એ.એફ.પી.

તેલ અવિવ ઃ ઇઝરાયલના ડિફેન્સ ફોર્સિસે ગઈ કાલે હમાસના બે ટોચના મિલિટરી લીડર્સને ટાર્ગેટેડ હુમલાઓમાં મારી નાખ્યા છે. ઇઝરાયલ એના પર ભયાનક હુમલો કરનારા હમાસના લીડર્સને અત્યારે વીણી-વીણીને ખલાસ કરી રહ્યું છે. 
ઇઝરાયલના ફોર્સિસે ગયા અઠવાડિયામાં એના પર કરવામાં આવેલા એક ભયાનક હુમલામાં સામેલ હમાસના કમાન્ડો ફોર્સિસના એક કમાન્ડરને ઠાર માર્યો છે. 
નુખબા યુનિટના કંપની કમાન્ડર અલી કાઢીને ડ્રોન હુમલામાં ઠાર મારવામાં આવ્યો હતો. શિન બેટ સિક્યૉરિટી એજન્સી અને મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટરેટ પાસેથી મળેલા ઇન્ટેલિજન્સ ઇન્પુટ્સના આધારે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 
ઇઝરાયલના નાગરિકોના અપહરણ અને મર્ડર બદલ કાઢીની ૨૦૦૫માં ઇઝરાયલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ૨૦૧૧માં એકબીજાના કેદીઓને મુક્ત કરવાના ભાગરૂપે તેને ગાઝાપટ્ટીમાં મુક્ત કરવામાં આવ્યો હતો. 
ઇઝરાયલના ડિફેન્સ ફોર્સિસે જ્યાંથી હમાસ એના એરિયલ ફોર્સની ઍક્ટિવિટી સંભાળે છે એ હેડક્વૉર્ટર્સ પર ટાર્ગેટેડ હુમલો કર્યો હતો, જેમાં હમાસના એરિયલ ફોર્સિસનો હેડ અબુ મુરાદ ઠાર મરાયો છે. અબુ મુરાદે ગયા અઠવાડિયાના ઇઝરાયલના હુમલા દરમ્યાન આતંકવાદીઓને સૂચનાઓ આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 
અત્યારે સમગ્ર દુનિયાની નજર ગાઝા પટ્ટી પર ઇઝરાયલની કાર્યવાહી પર રહેલી છે. મોટી સંખ્યામાં નાગરિકોને જોખમ હોવાનું કારણ રજૂ કરીને ઇઝરાયલને સંયમ વર્તવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. 

ઇસ્લામિક દેશોએ અર્જન્ટ અને અસાધારણ મીટિંગ બોલાવી
ઇસ્લામિક દેશોના ટોચના ગ્રુપે ઇઝરાયલ-ગાઝા યુદ્ધ વિશે ચર્ચા કરવા માટે સાઉદી અરેબિયામાં અર્જન્ટ અને અસાધારણ મીટિંગ બોલાવી છે. સાઉદી અરેબિયાએ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશનના સભ્ય દેશોને બુધવારે જેદ્દાહમાં મીટિંગ માટે આમં​ત્રિત કર્યા છે. ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન સંયુક્ત રાષ્ટ્ર પછીનું બીજું સૌથી વિશાળ સંગઠન છે, જેમાં ૫૭ સભ્ય દેશો છે. આ સંગઠન પોતાની જાતને મુસ્લિમ દુનિયાનો સંગઠિત અવાજ ગણાવે છે.

israel world news hamas