ઇઝરાયલે અચાનક જ લેબૅનનમાં હિઝબુલ્લા પર કરેલા હુમલા પાછળનું રહસ્ય આખરે ખૂલ્યું

27 September, 2024 07:54 PM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલે અમેરિકા અને એના સાથી-દેશોની ૨૧ દિવસની યુદ્ધવિરામની અપીલ ફગાવી દઈને આર્મીને વધુ જોરથી ત્રાટકવાનો આપ્યો આદેશ

બૈરુતના એક પરામાં ઇઝરાયલે કરેલી એક ટાર્ગેટેડ ઍર-સ્ટ્રાઇકને પગલે ઊઠતો ધુમાડો.

ગયા વર્ષે હમાસે કરેલા હુમલાની જેમ જ હિઝબુલ્લા ઉત્તર ઇઝરાયલની બૉર્ડર પાસેનાં ગામો પર અટૅક કરવાની ફિરાકમાં હોવાથી કંઈ થાય એ પહેલાં જ એનો ખાતમો બોલાવી દીધો

ઇઝરાયલે ગયા અઠવાડિયાથી એકાએક જ લેબૅનનમાં હિઝબુલ્લાના ગઢ ગણાતા વિસ્તારોમાં હુમલા શરૂ કરી દીધા હોવાથી અત્યાર સુધી ૬૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આને લીધે અમેરિકા, યુરોપિયન યુનિયન અને ગલ્ફના દેશોએ ૨૧ દિવસ માટે યુદ્ધવિરામ કરવાની ઇઝરાયલને અપીલ કરી છે, પણ તેમની વાતને અવગણીને ઇઝરાયલે એની આર્મીને પૂરી તાકાત સાથે લેબૅનનમાં હિઝબુલ્લા પર તૂટી પડવા કહ્યું છે. અમેરિકા અને એના સાથીઓએ ઇઝરાયલની આર્મી જમીનમાર્ગે પણ લેબૅનન પર અટૅક કરવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલને પગલે અપીલ કરી હતી.

ઇઝરાયલે ગયા અઠવાડિયે પેજર અને વૉકી-ટૉકી હુમલા કરીને ઍર-સ્ટ્રાઇક શું કામ શરૂ કરી એનો જવાબ આપતાં ઇઝરાયલ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના નિર્દોષ નાગરિકો પર કરેલા હુમલાને આવતા મહિને એક વર્ષ પૂરું થવાનું છે ત્યારે હિઝબુલ્લાના આતંકવાદીઓ પણ આવો જ અટૅક કરવાની તૈયારીમાં હોવાની અમને માહિતી મળી હોવાથી અમે પહેલાં જ કાઉન્ટર-અટૅક કરીને તેમની કમર તોડી નાખી છે.’

ઇઝરાયલની સિક્યૉરિટી એજન્સી સાથે જોડાયેલા એક ઑફિસરે કહ્યું હતું કે ‘ગયા વર્ષનો હુમલો અમારી દક્ષિણ સીમાઓ પાસે કરવામાં આવ્યો હતો અને આ વખતે તેમનો પ્લાન ઉત્તરમાં બૉર્ડરથી ૩૫૦થી ૫૦૦ મીટરના અંતરે આવેલાં બે ગામ પર હુમલો કરવાનો હતો. એને માટે હિઝબુલ્લાના આતંકવાદીઓ તૈયાર જ બેઠા હતા. અમને આ વાતની જાણ થતાં પહેલાં તો અમે પેજર અને વૉકી-ટૉકી અટૅકથી હિઝબુલ્લાના જે આતંકવાદીઓ અમારા પર હુમલો કરવાના હતા તેમનો સફાયો કર્યો અથવા તો ઘાયલ કરી દીધા અને ત્યાર બાદ લેબૅનનમાં જ્યાં તેમના ગઢ છે ત્યાં ઍર-સ્ટ્રાઇક કરીને તેમનો આખો પ્લાન નિષ્ફળ બનાવી દીધો.’

international news israel lebanon world news united states of america