બંગલાદેશમાં ધાર્મિક ગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી વધુ એક હિન્દુ સાધુની ધરપકડ

01 December, 2024 12:27 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં ઇસ્કૉનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના આરોપસર કરાયેલી ધરપકડ બાદ વધુ એક બ્રહ્મચારી સાધુ શ્યામ દાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી છે.

શ્યામ દાસ પ્રભુ

બંગલાદેશમાં ઇસ્કૉનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના આરોપસર કરાયેલી ધરપકડ બાદ વધુ એક બ્રહ્મચારી સાધુ શ્યામ દાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી છે. શ્યામ દાસ પ્રભુ જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોઈ પણ સત્તાવાર વૉરન્ટ ઇશ્યુ કર્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે ત્યાંની ઑથોરિટીને આ રીતે ધરપકડ કરવાની અને એ પછી છોડી મૂકવાની સત્તા છે. ઇસ્કૉનના કલકત્તાના વાઇસ પ્રેસિડન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ આ સમાચારની સોશ્યલ મીડિયા પર પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ચટગાંવ પોલીસે તેમની ધરપકડ કરી છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બંગલાદેશની રાજધાની ઢાકા અને ચટગાંવમાં તેમને રિલીઝ કરવા તેમના સમર્થકો દ્વારા ઉગ્ર દેખાવો થયા હતા.

આજે ​વિ‍શ્વમાં ઇસ્કૉન દ્વારા પ્રાર્થના અને ધૂન
બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને હુમલાને પગલે ઇસ્કૉન દ્વારા આજે દુનિયામાં ત્યાંના હિન્દુઓની સેફ્ટી અને સિક્યૉરિટી માટે પ્રાર્થના અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કૉન કલકત્તાના પ્રવક્તા રાધારમણ દાસે ટ્વિટર હૅન્ડલ પર લખ્યું છે કે આજે વિશ્વના ૧૫૦ દેશોનાં અનેક શહેરોમાં ઇસ્કૉનના લાખો અનુયાયીઓ ભેગા થશે અને બંગલાદેશના હિન્દુઓની સેફ્ટી અને સિક્યૉરિટી માટે પ્રાર્થના કરશે અને ધૂન બોલાવશે. તમે પણ તમારા નજીકના ઇસ્કૉન મંદિરમાં જઈને એમાં જોડાઓ.    

bangladesh dhaka iskcon international news news