31 March, 2023 01:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અનેક ટેક એક્ઝિક્યુટિવ્ઝ અને ટેસ્લા ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઇલૉન મસ્ક તથા કૅનેડિયન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ યોશુઆ બેન્જિયો સહિત ટોચના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રિસર્ચર્સે પાવરફુલ નવા એઆઇ ટૂલ્સના જોખમી ઝડપે થઈ રહેલા ડેવલપમેન્ટને અટકાવવાની હાકલ કરી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે એઆઇને કારણે સમગ્ર માનવજાત માટે ખતરો ઊભો થઈ શકે છે.
૬ મહિના કે એના કરતાં વધારે સમય સુધી કામચલાઉ કામગીરી સ્થગિત કરવાથી એઆઇમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ સેટ કરવા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીની સંભવિત જોખમી અસરોને નાબૂદ કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રીને સમય મળશે.
નૉન-પ્રૉફિટ સંસ્થા ફ્યુચર ઑફ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંકલિત પ્રયાસોથી ‘પૉઝ જાયન્ટ એઆઇ એક્સપરિમેન્ટ્સ : ઍન ઓપન લેટર’ લખવામાં આવ્યો છે, જેમાં એઆઇ ટૂલ્સને વિકસાવવાના પ્રયાસ પર પૉઝ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. આ લેટર બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો, જેના પર ઍપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિક, સ્ટેબિલિટીના એઆઇ સીઈઓ ઇમદ મોસ્ટક્યુ અને સેન્ટર ફૉર હ્યુમન ટેક્નૉલૉજીના કો-ફાઉન્ડર્સ ત્રિસ્તન હૅરિસ અને એઝા રસ્કિને સાઇન કરી છે.
આ પણ વાંચો: ગૂગલના ભૂતપૂર્વ એન્જિનિયરની ભવિષ્યવાણી : મનુષ્ય અમર થઈ જશે
આ લેટરમાં એઆઇને ડેવલપ કરવાની તમામ કામગીરી અટકાવવાની હાકલ કરી નથી, પરંતુ કંપનીઓને ટેમ્પરરી ટ્રેઇનિંગ સિસ્ટમ્સને અટકાવવાની અપીલ કરી છે.
ઓપન એઆઇના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમણે ચેટજીપીટી-5 માટે ટ્રેઇનિંગ શરૂ કરી નથી. એક ઇન્ટરવ્યુમાં ઓપન એઆઇના સીઈઓ સૅમ અલ્ટમૅને જણાવ્યું છે કે કંપનીએ જીપીટી-4ને લૉન્ચ કરતાં પહેલાં ૬ મહિના કરતાં વધુ સમય સેફ્ટી માટે ટેસ્ટિંગ કર્યું હતું.
ગૂગલે રિસન્ટલી એઆઇ-બેઝ્ડ ચૅટબોટ બાર્ડ લૉન્ચ કર્યું છે. એ સિવાય એડોબ ઇન્ક, ઝૂમ વિડિયો કમ્યુનિકેશન્સ ઇન્ક અને સેલ્સફોર્સ ઇન્ક જેવી કંપનીઓ પણ ઍડ્વાન્સ્ડ એઆઇ ટૂલ્સ લાવી છે.
આપણે એ તબક્કે પહોંચ્યા છીએ જ્યાં આ સિસ્ટમ્સ એટલી સ્માર્ટ છે કે એનાં સમાજમાં જોખમી પરિણામ આવી શકે એ રીતે ઉપયોગ કરી શકાય છે અને હજી આપણે એ બાબત સમજ્યા જ નથી.
- બેનજિયો, ડિરેક્ટર, મૉન્ટ્રિયલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર લર્નિંગ ઍલ્ગરિધમ્સ, મૉન્ટ્રિયલ યુનિવર્સિટી