05 October, 2024 08:36 AM IST | Israel | Gujarati Mid-day Correspondent
આયાતોલ્લા અલી ખોમેની
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીએ પાંચ વર્ષ બાદ ગઈ કાલે તેહરાનમાં આવેલી ગ્રૅન્ડ મસ્જિદમાં શુક્રવારની નમાજનું નેતૃત્વ કર્યું હતું અને ઉપસ્થિત હજારોની મેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી અમે પૅલેસ્ટીન અને લેબૅનનની સાથે છીએ ત્યાં સુધી ઇઝરાયલને સફળતા નહીં મળે. પૅલેસ્ટીન અને લેબૅનનના મુસ્લિમો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે, પણ ઈરાન પોતાના મુસ્લિમ ભાઈઓની સાથે છે, તેમના માટે ઈરાન કંઈ પણ કરશે.’
ઇઝરાયલ પર ઈરાને કરેલી ઍર-સ્ટ્રાઇકને જરૂરી ગણાવીને તેમણે કહ્યું હતું કે એના દ્વારા અમે લોકોની સેવા કરી રહ્યા છીએ. ખોમેની પાસે ગન મૂકવામાં આવી હતી અને ચોકિયાતો મોજૂદ હતા. તેમણે કહ્યું કે હમાસ અને હિઝબુલ્લા સામે ઇઝરાયલને સફળતા નહીં મળે, એ સમયે અમે તમારી સાથે છીએનો સૂત્રોચ્ચાર થતો હતો.
બીજું શું કહ્યું?
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીએ દુનિયાભરના મુસ્લિમોને એક થવા અને કુરાને બતાવેલા રસ્તા પર ચાલવાની અપીલ કરી હતી.
મુસ્લિમો અલ્લાહના દર્શાવેલા રસ્તા પર ચાલશે તો જરૂર સફળતા મેળવશે.
ઈરાને ઇઝરાયલને જવાબ આપ્યો છે અને આગળ પણ આપવામાં આવશે.
દુનિયાભરમાં ઇસ્લામના દુશ્મન એ શોધમાં છે કે વિશ્વના મુસ્લિમો એક થાય નહીં અને તેમને કમજોર કરીને ફાયદો ઉઠાવવામાં આવે. ઇસ્લામના આ દુશ્મનો પૅલેસ્ટીન, યમન, લેબૅનન સહિત દરેક જગ્યાના મુસ્લિમોના દુશ્મન છે. મુસ્લિમોના દુશ્મનોની કમાન્ડ એકમાત્ર ઇઝરાયલમાં છે, ત્યાંથી જ ષડ્યંત્રો થાય છે.
જે લોકોએ પૅલેસ્ટીન પર કબજો કર્યો છે તેઓ બહારથી આવ્યા છે. આ કબજો પૂરેપૂરો ગેરકાયદે છે.
અજ્ઞાત સ્થળે કરાયું હસન નસરુલ્લાનું ટેમ્પરરી દફન
ઈરાનને ભય હતો કે હિઝબુલ્લાના ચીફ કમાન્ડર ૬૪ વર્ષના સૈયદ હસન નસરુલ્લાહની અંતિમ યાત્રા વખતે ઇઝરાયલ ત્રાટકશે એટલે તેમણે એનું ગઈ કાલે અજ્ઞાત સ્થળે ટેમ્પરરી દફન કરી દીધું છે. યોગ્ય સંજોગો ઊભા થશે પછી તેમનું અંતિમ દફન કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.